<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

મુંબઈનો મહાસંગ્રામ: BMC ચૂંટણીના એક્ઝિટ પોલમાં 'મહાયુતિ'નો દબદબો! પ્રદીપ ગુપ્તાની આગાહી - જો મતદાન ૫૩% વધ્યું તો વિરોધ પક્ષોના સૂપડા સાફ

૨૯ મહાનગરપાલિકાઓ માટે મતદાન પૂર્ણ; એક્ઝિટ પોલ મુજબ ૨૦થી વધુ શહેરોમાં ભાજપ ગઠબંધનના મેયર બનવાની શક્યતા, આવતીકાલે સવારે ૧૦ વાગ્યાથી મતગણતરી

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકીય ઈતિહાસમાં ૯ વર્ષના લાંબા વિરામ બાદ આજે યોજાયેલી ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. દેશની નજર જેની પર ટકેલી છે તેવી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં ૨૬ વર્ષથી ચાલતા શિવસેનાના એકચક્રી શાસન સામે આ વખતે 'મહાયુતિ' (ભાજપ-શિવસેના-NCP) એ જોરદાર ટક્કર આપી છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ જાહેર થયેલા એક્ઝિટ પોલના આંકડાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.
પ્રદીપ ગુપ્તાની મોટી આગાહી
ચૂંટણી વિશ્લેષક પ્રદીપ ગુપ્તા (એક્સિસ માય ઈન્ડિયા) એ જણાવ્યું છે કે જો મુંબઈમાં મતદાનનો આંકડો ૫૩ ટકાને પાર કરશે, તો તેનો સીધો ફાયદો સત્તાધારી મહાયુતિ ગઠબંધનને થશે. તેમના મતે, ૨૯ માંથી ૨૦ થી વધુ મહાનગરપાલિકાઓમાં ભાજપ અને તેના સાથી પક્ષોના મેયર બને તેવી પ્રબળ શક્યતા છે. મુંબઈના ઉત્તર ઝોનમાં ભાજપ ૪૨ માંથી ૨૭-૨૮ બેઠકો જીતીને ક્લીન સ્વીપ કરી શકે તેવા સંકેતો JVC એક્ઝિટ પોલે આપ્યા છે.
પૂર અને ખરાબ રસ્તા બન્યા નિર્ણાયક મુદ્દા
એક્ઝિટ પોલના સર્વે દરમિયાન મતદારોએ અયોગ્ય ડ્રેનેજ સિસ્ટમ, ચોમાસામાં ભરાતા પાણી, જાહેર શૌચાલયોની અછત અને ખરાબ રસ્તાઓને મુખ્ય મુદ્દા ગણાવ્યા હતા. બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરી સહિત અનેક સેલિબ્રિટીઓએ મુંબઈમાં મતદાન કરી પાયાની સુવિધાઓ સુધારવા પર ભાર મૂક્યો હતો. બપોરે ૩.૩૦ વાગ્યા સુધીમાં મુંબઈમાં આશરે ૪૧% મતદાન નોંધાયું હતું, જે સાંજ સુધીમાં વધવાની આશા હતી.
આવતીકાલે ફેંસલો: કોણ બનશે મુંબઈનો 'ડોન'?
BMC ના ૮૯૩ વોર્ડ અને ૨,૮૬૯ બેઠકો માટે ૧૫,૯૩૧ ઉમેદવારોનું નસીબ અત્યારે ઈવીએમમાં કેદ થયું છે. ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT) માટે આ અસ્તિત્વની લડાઈ છે, જ્યારે ભાજપ માટે મુંબઈ પર ભગવો લહેરાવવાની સુવર્ણ તક છે. આવતીકાલે એટલે કે ૧૬ જાન્યુઆરીએ સવારે ૧૦ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં મહારાષ્ટ્રના શહેરોનો અસલી 'તાજ' કોના શિરે જશે તે સ્પષ્ટ થઈ જશે.

(7:57 PM IST)