<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

મોતની ચોકી કરતી મોબાઈલ એપ: ચીનમાં લોકપ્રિય થઈ રહી છે "શું તમે મરી ગયા છો?" એપ : જાણો કેમ લાખો લોકો તેને ડાઉનલોડ કરી રહ્યા છે!

આધુનિક યુગની ભયાનક એકલતાનો અરીસો: જો તમે ૪૮ કલાક સુધી બટન ન દબાવો તો એપ આપમેળે સંબંધીઓને મોકલે છે 'ડેથ એલર્ટ': ડ્રેગનના દેશમાં એકલા રહેતા યુવાનો માટે આ ડિજિટલ સાથી હવે જીવન રક્ષક બન્યો

બેઇજિંગ: કલ્પના કરો કે એક મોબાઈલ એપ તમને દર બે દિવસે પૂછે કે, "શું તમે હજુ જીવતા છો?" સાંભળવામાં આ વિચિત્ર અને કદાચ ડરામણું લાગે, પણ ચીનમાં અત્યારે આ વાસ્તવિકતા છે. ચીનમાં "Are You Dead?" નામની એક નવી મોબાઈલ એપ અત્યારે સૌથી વધુ ડાઉનલોડ થતી પેઈડ એપ બની ગઈ છે. આ એપનો ઉદ્દેશ્ય એવા લોકોની મદદ કરવાનો છે જેઓ મહાનગરોમાં સાવ એકલા રહે છે અને તેમને ડર છે કે જો અચાનક તેમનું અવસાન થાય અથવા તેઓ કોઈ મુસીબતમાં મુકાય, તો કોઈને જાણ પણ નહીં થાય. આ એપ ટેકનોલોજી કરતા પણ આધુનિક સમાજની ઊંડી એકલતા અને ખાલીપાને વધુ પ્રદર્શિત કરે છે.

આ એપની કાર્યપદ્ધતિ એકદમ સરળ છતાં આઘાતજનક છે. એપમાં એક મોટું બટન આપવામાં આવ્યું છે, જેને યુઝરે દર બે દિવસે (૪૮ કલાકમાં એકવાર) દબાવવું પડે છે. આ બટન દબાવવાનો અર્થ એ છે કે યુઝર સુરક્ષિત અને જીવિત છે. જો કોઈ કારણસર યુઝર સતત બે દિવસ સુધી આ બટન નથી દબાવતો, તો એપની સિસ્ટમ સક્રિય થઈ જાય છે. તે તરત જ યુઝર દ્વારા અગાઉથી સેવ કરવામાં આવેલા ઈમરજન્સી કોન્ટેક્ટ્સ જેવા કે માતા-પિતા, મિત્રો કે પડોશીઓને મેસેજ મોકલી દે છે કે આ વ્યક્તિ કદાચ કોઈ જોખમમાં છે અથવા તેનું મૃત્યુ થયું છે, જેથી સમયસર તેની તપાસ થઈ શકે.

ગયા વર્ષે મે મહિનામાં લોન્ચ થયેલી આ એપ શરૂઆતમાં ફ્લોપ રહી હતી, પરંતુ તાજેતરના સમયમાં ચીનના 'વન ચાઈલ્ડ પોલિસી'ના પરિણામે એકલા રહેતા યુવાનો અને વૃદ્ધોમાં તેની માંગ અચાનક વધી ગઈ છે. મોટા શહેરોમાં ઉંદર-દોડ જેવી જિંદગી જીવતા વ્યાવસાયિકો, એકલવાયું જીવન પસંદ કરનારા લોકો અને ઘરથી દૂર રહેતા વિદ્યાર્થીઓ આ એપને પોતાના 'ડિજિટલ ગાર્ડિયન' તરીકે જોઈ રહ્યા છે. આ એપ એ ડરનું પરિણામ છે કે ક્યાંક તેમનું મૃત્યુ થાય અને દિવસો સુધી કોઈને ગંધ પણ ના આવે. ટેકનોલોજીના યુગમાં આ એપ જીવન બચાવવા માટે નહીં, પણ મૃત્યુની સમયસર જાણ કરવા માટેની એક કરુણ શોધ બની રહી છે.

(8:09 PM IST)