હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પનો 'માસ્ટરસ્ટ્રોક' કે નવો વિવાદ?: ઈરાનને પડતું મૂકી અમેરિકી સેના હવે મેક્સિકોમાં ઉતરશે, ડ્રગ કાર્ટેલ્સનો ખાતમો કરવા 'સર્જિકલ સ્ટ્રાઈક'ની તૈયારી
મેક્સિકોની સરહદોમાં અમેરિકી સ્પેશિયલ ફોર્સની એન્ટ્રી માટે દબાણ; ડ્રગ્સની હેરાફેરી રોકવા ટ્રમ્પે આર્થિક નાકાબંધી અને ટેરિફની આપી ધમકી, મેક્સિકન સરકારની ઊંઘ હરામ

વોશિંગ્ટન:વિશ્વની નજર અત્યારે મધ્ય પૂર્વ અને ઈરાન પર ટકેલી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક પોતાની રણનીતિ બદલીને પડોશી દેશ મેક્સિકો તરફ બંદૂકો તાકી દીધી છે. અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર હવે મેક્સિકોમાં સક્રિય ડ્રગ માફિયાઓ અને ફેન્ટાનાઇલ લેબ્સનો નાશ કરવા માટે અમેરિકી સૈનિકોને ત્યાં મોકલવાની ગંભીર યોજના બનાવી રહ્યું છે. આ સમાચારથી મેક્સિકોની સરકારમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે આ સીધો તેમની સાર્વભૌમત્વ પર હુમલો ગણાશે.
અમેરિકામાં દર વર્ષે ડ્રગ્સના ઓવરડોઝથી ૭૦,૦૦૦ થી વધુ લોકોના મોત થાય છે. ટ્રમ્પનું માનવું છે કે મેક્સિકોની પોલીસ અને સરકાર આ શક્તિશાળી ડ્રગ કાર્ટેલ્સ સામે લાચાર છે. તેથી જ ટ્રમ્પ હવે અમેરિકન સ્પેશિયલ ફોર્સને મેક્સિકોની ધરતી પર ઉતારીને 'સફાઈ અભિયાન' હાથ ધરવા માંગે છે. તેમણે આ ડ્રગ સિન્ડિકેટ્સને આતંકવાદી સંગઠન ISIS જેવા જ ગણાવ્યા છે અને તેમને જડમૂળથી ઉખેડી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે.
મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે અમેરિકી સેનાના પ્રવેશનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે, પરંતુ ટ્રમ્પ પાસે તેમને મનાવવા માટે 'ટેરિફ'નું અચૂક શસ્ત્ર છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો મેક્સિકો સહકાર નહીં આપે તો તેમના માલ પર ૨૫% થી ૧૦૦% સુધીનો ટેક્સ (ટેરિફ) લાદવામાં આવશે. મેક્સિકોનું અર્થતંત્ર સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર હોવાથી, આર્થિક નાકાબંધીના ડરથી મેક્સિકોએ નમતું જોખવું પડી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ કોઈ મોટું યુદ્ધ કરવા માંગતા નથી, પરંતુ ચોક્કસ ટાર્ગેટ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવા માંગે છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓ ડ્રગ લેબ્સ લોકેટ કરશે અને સ્પેશિયલ ફોર્સ ત્યાં જઈને તેને નષ્ટ કરશે. આ પગલું માત્ર બે દેશોના સંબંધો જ નહીં, પરંતુ સમગ્ર લેટિન અમેરિકાના રાજકારણમાં મોટી ઉથલપાથલ લાવી શકે છે. ટ્રમ્પના આ 'એક્શન મોડ'થી પડોશી દેશોમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
