હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનનું 'મિશન રિટાલિયેશન': જો ટ્રમ્પ બોમ્બમારો કરશે તો તેહરાન અમેરિકાના આ ૮ પાડોશી દેશોને રાખ કરી દેશે, જાણો ઈરાની મિસાઈલોની મારક ક્ષમતા
૨,૫૦૦ કિમીની રેન્જ ધરાવતી 'શેઝિલ' મિસાઈલ પશ્ચિમ એશિયામાં મચાવી શકે છે તબાહી; અમેરિકા ભલે ૧૧,૦૦૦ કિમી દૂર હોય, પણ તેના સૈન્ય ઠેકાણાઓ ઈરાનના સીધા નિશાના પર

તેહરાન: ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઈરાન પર ગમે ત્યારે ૩૭ કલાક સુધી સતત બોમ્બમારાની અટકળો વચ્ચે તેહરાને પણ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ભલે ઈરાની મિસાઈલો ૧૧,૦૦૦ કિમી દૂર આવેલા અમેરિકાના મુખ્ય ભૂભાગ સુધી પહોંચી શકે તેમ નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં ફેલાયેલા અમેરિકાના તમામ વ્યૂહાત્મક સૈન્ય ઠેકાણાઓ અત્યારે ઈરાનની બેલિસ્ટિક મિસાઈલોની સીધી રેન્જમાં છે. ઈરાને તેના પાડોશી દેશોને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેમની ધરતી પરથી અમેરિકા હુમલો કરશે, તો તે દેશોએ ભારે કિંમત ચૂકવવી પડશે.
ઈરાન પાસે પશ્ચિમ એશિયામાં બેલિસ્ટિક મિસાઈલો અને અત્યાધુનિક ડ્રોનનો સૌથી મોટો શસ્ત્રાગાર છે. ખાસ કરીને 'શેઝિલ' મિસાઈલ તેની ૨,૫૦૦ કિમીની રેન્જ સાથે ઈઝરાયેલ સહિત સમગ્ર ગલ્ફ દેશોમાં ત્રાટકવા સક્ષમ છે. જો ઈરાન પોતાની ધરતી પરથી હુમલો કરે, તો તે ૨,૦૦૦ કિમીની ત્રિજ્યામાં આવતા કોઈ પણ લક્ષ્યને સેકન્ડોમાં નષ્ટ કરી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ગાજેલા 'શાહિદ' ડ્રોન પણ ઈરાનની તાકાતમાં વધારો કરે છે.
નિશાના પર રહેલા ૮ દેશો અને અમેરિકી ઠેકાણા: અમેરિકાએ સાવચેતીના ભાગરૂપે તેના ઠેકાણાઓ ખાલી કરવાનું શરૂ કર્યું છે, કારણ કે નીચેના ૮ સ્થળો ઈરાનની મિસાઈલ રેન્જમાં છે:
૧. બહેરીન: યુએસ નેવીના પાંચમા ફ્લીટનું મુખ્ય મથક.
૨. કતાર: અલ-ઉદેદ એર બેઝ, જ્યાં ૧૦,૦૦૦ અમેરિકી સૈનિકો છે.
૩. કુવૈત: ઈરાકી સરહદ પાસેના અનેક લશ્કરી મથકો.
૪. યુએઈ: અબુ ધાબીનું અલ ધફરા એર બેઝ.
૫. ઈરાક: અન-અલ અસદ એર બેઝ.
૬. સાઉદી અરેબિયા: પ્રિન્સ સુલતાન એર બેઝ પર ૨,૦૦૦ સૈનિકો.
૭. જોર્ડન: અલ સાલ્ટી એર બેઝ.
૮. તુર્કી: ઇન્સિર્લિક એર બેઝ, જ્યાં અમેરિકાના પરમાણુ શસ્ત્રો રાખવામાં આવ્યા છે.
વિશ્વની ૧૬મી સૌથી શક્તિશાળી સેના: ૬,૦૦,૦૦૦ સક્રિય સૈનિકો ધરાવતું ઈરાન વિશ્વની ૨૦ સૌથી શક્તિશાળી લશ્કરી શક્તિઓમાં ૧૬મા ક્રમે છે. જો યુદ્ધ ફાટી નીકળે તો ઈરાન માત્ર મિસાઈલ જ નહીં, પરંતુ દરિયાઈ માર્ગે 'હોર્મુઝની ખાડી' બંધ કરીને વિશ્વના તેલ પુરવઠાને પણ રોકી શકે છે. અત્યારે તેહરાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે, જે સૂચવે છે કે તેઓ કોઈ મોટા વળતા હુમલાની તૈયારી કરી ચૂક્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
