હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન સળગ્યું: ફસાયેલા હજારો ભારતીયોને બચાવવા મોદી સરકારનું 'મેગા ઓપરેશન', આવતીકાલે સવારે ૮ વાગ્યે પ્રથમ ટુકડી વતન પરત ફરશે
૩૧ પ્રાંતોમાં ફેલાયેલી અંધાધૂંધી વચ્ચે ૧૦,૦૦૦ ભારતીયોના જીવ જોખમમાં; તેહરાનમાં ઈન્ટરનેટ ઠપ થતા સંપર્ક કરવામાં મુશ્કેલી, વિદેશ મંત્રાલયે પેસેન્જર લિસ્ટ તૈયાર કરી સ્પેશિયલ ફ્લાઈટ્સની તૈયારી કરી

તેહરાન/નવી દિલ્હી : ઈરાનમાં આર્થિક કટોકટી અને રાજકીય અસ્થિરતાને કારણે ફાટી નીકળેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાની ચલણ રિયાલના રેકોર્ડબ્રેક ઘટાડા બાદ શરૂ થયેલા તોફાનોમાં અત્યાર સુધીમાં આશરે ૩,૪૨૮ લોકોના મોત થયાના અહેવાલ છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા ૧૦,૦૦૦થી વધુ ભારતીય નાગરિકો, જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓ છે, તેમને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.
આવતીકાલે પ્રથમ બેચનું સ્થળાંતર
ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના વાલીઓએ પુષ્ટિ આપી છે કે દૂતાવાસ દ્વારા તેમને આવતીકાલે સવારે ૮ વાગ્યા સુધીમાં તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં સૌથી વધુ જોખમી વિસ્તારોમાં રહેલા વિદ્યાર્થીઓને ભારત લાવવામાં આવશે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા ભારત અને ઈરાન બંને સરકારો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે અને એક પેસેન્જર મેનિફેસ્ટ (મુસાફરોની યાદી) તૈયાર કરવામાં આવી રહી છે.
ઈન્ટરનેટ બ્લોકઆઉટથી મુશ્કેલી વધી
તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસ સતત ભારતીયોની વિગતો એકત્ર કરી રહ્યું છે, પરંતુ ઈરાન સરકાર દ્વારા લાદવામાં આવેલા ઇન્ટરનેટ બ્લોકઆઉટને કારણે વાતચીતમાં ભારે અવરોધ આવી રહ્યો છે. ઈરાનના તમામ ૩૧ પ્રાંતોમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. ભારત સરકારે અગાઉ જ એડવાઈઝરી જારી કરીને તમામ ભારતીયોને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા તાત્કાલિક ઈરાન છોડી દેવા અને અન્ય લોકોને ઈરાનની મુસાફરી ટાળવા વિનંતી કરી છે.
ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનમાં ધરપકડો અને ફાંસીની સજાના ભય વચ્ચે શેરીઓમાં સશસ્ત્ર દળો તૈનાત છે. ભારત સરકાર ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જો જરૂર પડશે તો વાયુસેનાના વિમાનોનો પણ ઉપયોગ કરી શકાય છે. વિદ્યાર્થીઓને તેમના તમામ દસ્તાવેજો અને જરૂરી સામાન સાથે તૈયાર રહેવા જણાવાયું છે જેથી ટૂંકી નોટિસ પર તેમને એરપોર્ટ પહોંચાડી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
