<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

વિદ્યાર્થીઓ તૈયાર કરી લો પેન અને કાગળ! ઇન્ડિયા પોસ્ટની આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનો પ્રારંભ; વિજેતાઓને મળશે રાષ્ટ્રીય પુરસ્કાર અને વૈશ્વિક મંચ પર ચમકવાની તક

'ડિજિટલ દુનિયામાં માનવ સંબંધોનું મહત્વ' વિષય પર મિત્રને લખવાનો રહેશે દિલ ખોલીને પત્ર; ૯ થી ૧૫ વર્ષના બાળકો માતૃભાષા ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં પણ લઈ શકશે ભાગ

નવી દિલ્હી : આજના વોટ્સએપ અને ઈમેલના જમાનામાં પત્ર લખવાનો રોમાંચ કંઈક અલગ જ હોય છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રતિષ્ઠિત 'યુનિવર્સલ પોસ્ટલ યુનિયન' (UPU) આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા ૨૦૨૬ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સુવર્ણ તક મળી રહી છે.
આ વર્ષની ખાસ થીમ
વર્ષ ૨૦૨૬ માટે સ્પર્ધાનો વિષય અત્યંત પ્રસ્તુત રાખવામાં આવ્યો છે: "ડિજિટલ વિશ્વમાં માનવ જોડાણ (Human Connection) કેમ મહત્વનું છે?" આ વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના મિત્રને એક પત્ર લખવાનો રહેશે. આ પત્ર દ્વારા બાળકોએ સમજાવવાનું રહેશે કે ટેકનોલોજીના યુગમાં પણ વ્યક્તિગત લાગણીઓ અને રૂબરૂ મુલાકાતોનું મૂલ્ય કેમ ઓછું થયું નથી.

કોણ અને કેવી રીતે ભાગ લઈ શકશે?
સંદેશાવ્યવહાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૯ થી ૧૫ વર્ષની વયના તમામ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં જોડાઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે પત્ર અંગ્રેજી અથવા બંધારણની ૮મી અનુસૂચિમાં સામેલ કોઈપણ ભારતીય ભાષા (જેમ કે ગુજરાતી, હિન્દી વગેરે) માં હસ્તલિખિત (Handwritten) હોવો જોઈએ. શાળાઓએ તેમના સ્તરે શ્રેષ્ઠ પત્રોની પસંદગી કરીને ૨૦ માર્ચ, ૨૦૨૬ સુધીમાં જે-તે પોસ્ટલ સર્કલ ઓફિસને મોકલી આપવાના રહેશે.

પુરસ્કારોની વણઝાર
આ સ્પર્ધામાં વિજેતા થનારા તેજસ્વી વિદ્યાર્થીઓને સર્કલ લેવલ અને નેશનલ લેવલે રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવશે. ભારત સ્તરેથી જે શ્રેષ્ઠ એન્ટ્રી પસંદ થશે તેને વૈશ્વિક સ્પર્ધા માટે મોકલવામાં આવશે, જ્યાં તે વિશ્વભરના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરશે. જો તમારા બાળકમાં લેખન શક્તિ અને મૌલિક વિચારો છે, તો આ તક ગુમાવવા જેવી નથી.

(9:28 PM IST)