<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ભારતની પ્રથમ પ્રાઈવેટ જેટ ફેક્ટરી માટે ગુજરાતનું ધોલેરા અને આંધ્રનું ભોગાપુરમ રેસમાં: અદાણી અને એમ્બ્રેર બનાવશે મુસાફરો માટેના વિમાન

નિષ્ણાતોના મતે, આગામી ૨૦ વર્ષમાં ભારતને આવા નાના કદના આશરે ૫૦૦ વિમાનોની જરૂરિયાત ઊભી થશે,

ગુજરાતના ધોલેરા અને આંધ્રપ્રદેશના ભોગાપુરમ વચ્ચે દેશના પહેલા ખાનગી જેટ ઉત્પાદન પ્લાન્ટ માટે સ્પર્ધા જામી છે. બ્રાઝિલની વિમાન કંપની એમ્બ્રેર અને અદાણી ગ્રુપ ભારતમાં પેસેન્જર પ્લેન બનાવવા જઈ રહ્યા છે, જેમાં ધોલેરા મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
ભારતમાં વિમાન ઉત્પાદન ક્ષેત્રે એક મોટી પહેલ થવા જઈ રહી છે. બ્રાઝિલની દિગ્ગજ કંપની એમ્બ્રેર અને અદાણી ગ્રુપ સંયુક્ત રીતે ભારતમાં પેસેન્જર વિમાનોનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહ્યા છે. આ મેગા પ્રોજેક્ટ માટે બે સ્થળો, ગુજરાતનું ધોલેરા અને આંધ્રપ્રદેશનું ભોગાપુરમ રેસમાં સૌથી આગળ છે. આ ફેક્ટરીમાં ૭૦ થી ૧૪૬ બેઠકોની ક્ષમતા ધરાવતા રિજનલ જેટ (પ્રાદેશિક વિમાનો) એસેમ્બલ કરવામાં આવશે.
નિષ્ણાતોના મતે, આગામી ૨૦ વર્ષમાં ભારતને આવા નાના કદના આશરે ૫૦૦ વિમાનોની જરૂરિયાત ઊભી થશે, જે આ પ્રોજેક્ટનું મહત્વ વધારે છે. આ સ્પર્ધામાં ગુજરાતનું ધોલેરા થોડું આગળ હોવાનું માનવામાં આવે છે, કારણ કે ધોલેરાનું નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વર્ષ ૨૦૨૬ના મધ્ય સુધીમાં તૈયાર થઈ જવાની શક્યતા છે, જે લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ કંપનીને અનુકૂળ આવી શકે છે.

(10:54 PM IST)