યુદ્ધના મેદાનમાં ટ્રમ્પનો 'શાંતિ સંદેશ': "અમારો ઈરાન પર હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી", અમેરિકી પ્રમુખે તેહરાનને સંયમ રાખવા વિનંતી કરી હોવાનો ઈરાની રાજદૂતનો દાવો
ફાંસીની સજા રોકવાની ખાતરી મળતા ટ્રમ્પના તેવર નરમ પડ્યા; પાકિસ્તાનમાં ઈરાની રાજદૂતે કર્યો ખુલાસો - બુધવારે મધરાતે મળ્યો હતો વ્હાઇટ હાઉસનો સ્પેશિયલ મેસેજ, જાણો શું છે સમગ્ર મામલો

ઈસ્લામાબાદ : વિશ્વ આખું જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંભવિત યુદ્ધની આશંકાથી ધ્રૂજી રહ્યું હતું, ત્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મુત્સદ્દીગીરીનો માર્ગ અપનાવ્યો હોય તેમ જણાય છે. પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રેઝા અમીરી મોગદમે દાવો કર્યો છે કે પ્રમુખ ટ્રમ્પે તેહરાનને સત્તાવાર રીતે જાણ કરી છે કે અમેરિકા ઈરાન પર લશ્કરી હુમલો કરવા માંગતું નથી. ટ્રમ્પે ઈરાનને પ્રદેશમાં અમેરિકન હિતોને નિશાન ન બનાવવા અને સંયમ જાળવવા વિનંતી કરી છે.
મધરાતે આવ્યો રહસ્યમય સંદેશ
રાજદૂત મોગદમના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે ૧ વાગ્યે (પાકિસ્તાની સમય મુજબ) તેમને આ મહત્વપૂર્ણ માહિતી મળી હતી. આ સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સરકારની કડક કાર્યવાહીને પગલે અમેરિકાએ હવાઈ હુમલાની ચીમકી આપી હતી. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે જો ઈરાન વિરોધીઓને ફાંસી આપશે તો અમેરિકા શાંત બેસશે નહીં, પરંતુ હવે પરિસ્થિતિ બદલાતી જોવા મળી રહી છે.
ફાંસીની સજા રોકાતા યુદ્ધ ટળ્યું?
વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેમને ઈરાન તરફથી ખાતરી મળી છે કે જે વિરોધીઓને ફાંસી આપવાની તૈયારી હતી, તે હવે રોકી દેવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું, "તેમણે (ઈરાને) કહ્યું છે કે હત્યાઓ બંધ થઈ ગઈ છે. અમે પ્રક્રિયા પર નજર રાખીશું." આ હકારાત્મક વળાંક બાદ અમેરિકાએ હાલ પૂરતો લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ મોકૂફ રાખ્યો હોય તેમ લાગે છે. જોકે, ટ્રમ્પે હજુ પણ 'જુઓ અને રાહ જુઓ'ની નીતિ અપનાવી છે.
ઈરાનમાં આંતરિક અશાંતિ યથાવત
ઈરાનમાં ૧૯૭૯ની ક્રાંતિ પછીનો આ સૌથી મોટો આંતરિક વિરોધ માનવામાં આવે છે. આર્થિક મુશ્કેલીઓથી શરૂ થયેલું આ આંદોલન હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે. માનવાધિકાર સંગઠનોના મતે આ હિંસામાં અત્યાર સુધીમાં ૩,૪૦૦થી વધુ લોકોના મોત થયા છે. એક તરફ ઈરાની રાજદૂત દાવો કરી રહ્યા છે કે સરકાર પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી રહી છે, તો બીજી તરફ પ્રદર્શનકારીઓ સરકાર પર ક્રૂરતાના આક્ષેપો લગાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
