હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીમાં પ્રજાસત્તાક દિને ફાઈટર જેટ્સને સુરક્ષિત રાખવા ૧૨૭૫ કિલો ચિકનનો અનોખો પ્રયોગઃ બ્લેક કાઈટ સમડી જેવા શિકારી પક્ષીઓને આકાશથી દૂર રાખવા જમીન પર મિજબાની અપાશે
દિલ્હી વન વિભાગ અને ભારતીય વાયુસેના દ્વારા પ્રથમ વખત ૨૬ જાન્યુઆરી સુધી મીટ-થ્રોઈંગ અભિયાનઃ વજીરાબાદ સહિત ૨૦ હોટસ્પોટ પર પક્ષીઓને બોનલેસ મટન દ્વારા વ્યસ્ત રખાશે

નવી દિલ્હી તા.૧૬: પ્રજાસત્તાક પર્વની પરેડ દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનોના સુરક્ષિત ઉડાન માટે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી દિલ્હી વન વિભાગે કમર કસી છે. આકાશમાં ઉડતા બ્લેક કાઈટ (સમડી) જેવા શિકારી પક્ષીઓ લો-ફલાઈંગ એરક્રાફટ સાથે અથડાય નહીં તે માટે તેમને જમીન પર જ ખોરાક આપીને રોકી રાખવાની રણનીતિ ઘડવામાં આવી છે. આ માટે કુલ ૧૨૭૫ કિલો હાડકાં વગરનું ચિકન (બોનલેસ ચિકન) ખવડાવવામાં આવશે.
વર્ષ ૨૦૨૪માં પક્ષી અથડાવાના ૧,૨૭૮ બનાવો નોંધાયાઃ વિમાનો માટે સમડી સૌથી મોટો ખતરો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના સત્તાવાર આંકડા મુજબ ભારતીય એરપોર્ટ પર રોજ સરેરાશ ત્રણ પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ઘટના બને છે. આરટીઆઈ ડેટા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૯માં ૫૨૮ ઘટનાઓ બની હતી, જે વર્ષ ૨૦૨૪માં બમણી થઈને ૧,૨૭૮ સુધી પહોંચી ગઈ છે. જેમાં દિલ્હી એરપોર્ટ પર સૌથી વધુ ૬૧૬ ઘટનાઓ બની હતી. અભ્યાસ મુજબ પ્લેન સાથે પક્ષી અથડાય ત્યારે નુકસાન થવાની સંભાવનામાં બ્લેક કાઈટનો હિસ્સો ૬૧.૧૭ ટકા જેટલો ઊંચો છે, જે સૌથી જોખમી બાબત છે.
લાલ કિલ્લા અને જામા મસ્જિદ સહિતના વિસ્તારોમાં રોજના ૨૫૫ કિલો સુધી માંસ નંખાશે
પક્ષીઓને આકાશમાં ઉડતા રોકવા માટે ડરાવવાને બદલે તેમના વર્તણૂકીય નિયંત્રણ (બિહેવિયરલ કંટ્રોલ) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયામાં ચિકનના ૨૦ થી ૩૦ ગ્રામના ટુકડા કરવામાં આવે છે અને તેના ૫ કિલોના પેકેટ તૈયાર કરાય છે. ૧૫ જાન્યુઆરીથી શરૂ કરીને ૨૬ જાન્યુઆરી સુધી રોજ સવારે નિર્ધારિત જગ્યાઓ પર આ માંસ નાખવામાં આવશે.
કાર્યક્રમ મુજબ ૧૫, ૧૮, ૧૯, ૨૦, ૨૩ અને ૨૫ જાન્યુઆરીએ ૧૭૦ કિલો અને ૨૨ જાન્યુઆરીએ સૌથી વધુ ૨૫૫ કિલો માંસનો જથ્થો વપરાશે. મંડી હાઉસ, દિલ્હી ગેટ, લાલ કિલ્લો, મૌલાના આઝાદ ડેન્ટલ કોલેજ અને જામા મસ્જિદ જેવા ૨૦ પૂર્વ-નિર્ધારિત સ્થળોએ (હોટસ્પોટ્સ) જ્યાં પક્ષીઓ વધારે એકઠા થાય છે ત્યાં આ ખોરાક અપાશે. અગાઉ ભેંસનું માંસ વપરાતું હતું, પરંતુ હવે વન્યજીવ વ્યવસ્થાપન અને એરશોના સુચારૂ સંચાલન માટે બોનલેસ ચિકનનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી પક્ષીઓ પેટ ભરેલું હોવાથી વ્યસ્ત રહેશે અને વિમાનોના ઉડાન માર્ગમાં અવરોધરૂપ નહીં બને.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
