હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM

નવી દિલ્હી તા.૧૬: વિશ્વ આરોગ્ય સંગઠન(ડબલ્યુએચઓ)એ સરકારોને સ્થૂળતા, ડાયાબિટીસ, હ્રદય રોગ અને કેન્સર જેવા ગંભીર રોગોને રોકવા માટે ફળોના રસ, મીઠા પીણાં અને આલ્કોહોલ પર ટેક્સ વધારવા વિનંતી કરી છે. ડબલ્યુએચઓએ ખાસ કરીને બાળકો અને યુવાનોના સંદર્ભમાં આ વાત કરી છે.
ડબલ્યુએચઓના બે નવા વૈશ્વિક અહેવાલો અનુસાર મોટાભાગના દેશોમાં ઓછા કરને કારણે મીઠા પીણાં અને આલ્કોહોલ વધુને વધુ સસ્તા થઇ રહ્યા છે. જેના કારણે તેમના વપરાશમાં ઝડપી વધારો થઇ રહ્યો છે.
અહેવાલમાં જણાવાયું છે કે ૧૦૦થી વધુ દેશો સોડા જેવા મીઠા પીણાં પર કર લાદે છે, પરંતુ ૧૦૦ ટકા ફળોના રસ, મીઠા દૂધવાળા પીણાં અને રેડી-ટુ-ડ્રિક કોફી-ચા જેવા હાઇ શુગર ઉત્પાદનો પર ટેક્સ લાદવામાં આવતો નથી. સરેરાશ ટેક્સની ભાગીદારી એક મીઠી સોડાની કિમતના માત્ર ૨ ટકા હોય છે.
ડબલ્યુએચઓએ એ પણ જણાવ્યું કે બહુ ઓછા દેશો મોંઘવારીને અનુરુપ કરવેરો વધારે છે. જેના કારણે આ હાનિકારક ઉત્પાદનો વધુ સસ્તા બની રહ્યા છે. સસ્તા હોવાને કારણે કંપનીઓ અબજો ડોલરનો નફો રળી રહી છે. જ્યારે તેના કારણે થતા રોગોનો બોજ આરોગ્ય વ્યવસ્થા પર સતત વધી રહ્યો છે.
ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનમ ગેબ્રેયેસસે જણાવ્યું કે હેલ્થ ટેક્સ બિમારીઓને રોકવાનો સૌથી અસરકારક માર્ગ છે અને તે સરકારોને આરોગ્ય સેવાઓ માટે જરૂરી ભંડોળ પણ પૂરું પાડી શકે છે.
બીજા એક અહેવાલમાં ડબલ્યુએચઓએ જણાવ્યું કે ૨૦૨૨ પછીથી મોટાભાગના દેશોમાં શરાબની કિમતમાં ઘટાડો થયો છે અથવા સમાન જ રહ્યો છે. જ્યારે તેના જોખમો સ્પષ્ટ છે. વિશ્વનભરના ૧૬૭ દેશો દારુ પર ટેક્સ લગાવે છે, પરંતુ ૧૨ દેશોમાં શરાબ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ડબ્લ્યુએચઓ મુજબ દારુ સસ્તો હોવાથી હિસા, ઇજાઓ અને બિમારીઓ વધી છે. જ્યારે નફો કંપનીઓને થાય છે અને નુકસાન સમાજ ભોગવે છે.
ડબલ્યુએચઓએ દેશોને અપીલ કરી છે કે તેઓ ૨૦૩૫ સુધીમાં તમાકુ, દારુ અને મીઠા પીણાંના ભાવ વધારવા માટે ટેક્સ સિસ્ટમને મજબૂત બનાવે. જેથી તે ધીમે ધીમે ઓછા પરવડે તેવા બને અને લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકાય.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM