<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મેહુલ ચોક્‍સીનો દીકરો પણ મની લોન્‍ડ્રિગમાં સામેલ

બાપ એવા બેટા ને વડ જેવા ટેટા! ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્‍સી વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ૮ વર્ષ બાદ EDએ પહેલી વખત સત્તાવાર દાવો કર્યો છે કે મેહુલ ચોક્‍સીનો દીકરો રોહન પણ મની લોન્‍ડરિંગ નેટવર્કમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો હતો

નવી દિલ્‍હી, તા.૧૬: ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્‍સી વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ૮ વર્ષ બાદ EDએ પહેલી વખત સત્તાવાર દાવો કર્યો છે કે મેહુલ ચોક્‍સીનો દીકરો રોહન પણ મની લોન્‍ડરિંગ નેટવર્કમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો હતો. આ દાવો EDએ દિલ્‍હી સ્‍થિત અપીલેટ ટ્રિબ્‍યુનલ સમક્ષ પોતાની લેખિત દલીલોમાં કર્યો છે. આ કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા ૮ વર્ષમાં રોહન ચોક્‍સીનું નામ કોઈ FIRમાં આવ્‍યું નથી અને ન તો CBI કે ED દ્વારા નોંધાયેલા કોઈ PMLA કેસમાં તેને આરોપી બનાવવામાં આવ્‍યા છે. તેમ છતાં, EDનું આ તાજું નિવેદન કેસમાં નવો વળાંક લાવે છે.

EDએ ટ્રિબ્‍યુનલમાં કહ્યું કે, મેહુલ ચોક્‍સી ઘણી એવી કંપનીઓનો ડાયરેક્‍ટર પણ રહ્યો છે, જે માત્ર કાગળ પર જ અસ્‍તિત્‍વમાં હતી. આ કંપનીઓ દ્વારા ફેક લેવડ-દેવડ બતાવવામાં આવતી હતી, પરંતુ અસલમાં તેમાં કોઈ ખરીદી-વેચાણ થતું ન હતું. એજન્‍સીનો દાવો છે કે, આ શેલ કંપનીઓનો ઉપયોગ બ્‍લેક મનીને સફેદ બતાવવા માટે કરવામાં આવ્‍યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્‍યું કે, રોહન ચોક્‍સી લસ્‍ટર ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ૯૯.૯૯% શેરહોલ્‍ડર છે, જ્‍યારે આ કંપનીમાં મેહુલ ચોક્‍સી ડાયરેક્‍ટર છે. EDના મતે આ જ કંપની દ્વારા વિદેશમાં નાણાંની હેરાફેરી કરવામાં આવી હતી. એજન્‍સીએ જણાવ્‍યું કે US$ ૧,૨૭,૫૦૦ (લગભગ રૂ.૮૧.૬ લાખ) રકમ Asian Diamond & Jewellery FZE તરફથી સિંગાપોરની Merlin Luxury Group Pvt Ltdને મોકલવામાં આવી હતી. EDનો દાવો છે કે, આ રકમ સીધી રીતે પ્રોસીડ્‍સ ઓફ ક્રાઈમ હતી. Merlin Luxury Group પણ મેહુલ ચોક્‍સીના નિયંત્રણ હેઠળ હતી અને તેને લસ્‍ટર ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી હતી. EDના મતે, આ સંરચનામાં રોહનની મુખ્‍ય હિસ્‍સેદારી હોવાથી તે સંપત્તિની જપ્તીથી બચી શકે નહીં.

EDએ કહ્યું કે રેકોર્ડ પરના ડોકયુમેન્‍ટ, ટ્રાન્‍ઝેક્‍શન અને તપાસના પુરાવાઓ સ્‍પષ્ટ સંકેત આપે છે કે રોહન ચોક્‍સી પણ તેના પિતા મેહુલ ચોક્‍સી સાથે મળીને મની લોન્‍ડરિંગમાં સક્રિયપણે સામેલ હતો. આ આધારે EDએ રોહન ચોક્‍સી સાથે જોડાયેલી સંપત્તિઓની જપ્તી (એટેચમેન્‍ટ)ને યોગ્‍ય ગણાવી છે.

રોહન ચોક્‍સી વિરુદ્ધ કોઈ FIR નોંધાઈ નથી અને ન તો કોઈ ચાર્જશીટમાં તેનું નામ છે. કોઈ PMLA કેસમાં તે આરોપી પણ નથી. આવી સ્‍થિતિમાં EDના આ નવા દાવાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે કે શું એજન્‍સી હવે તપાસનો દાયરો ચોક્‍સી પરિવારના અન્‍ય સભ્‍યો સુધી વિસ્‍તારવાની તૈયારીમાં છે? હવે આવનારા દિવસોમાં એ જોવું મહત્‍વનું રહેશે કે ED આ દિશામાં આગળ વધે છે કે નહીં.

(3:11 PM IST)