<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ક્રિપ્ટોમાં ખતરો કે સોનામાં સુરક્ષા? બિટકોઈન વેચીને સોનું ખરીદવાની જેફરીઝના ક્રિસ વુડની મોટી સલાહ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ બન્યું વિલન

ડિજિટલ કરન્સીના અસ્તિત્વ સામે જોખમ: 2026 માં રોકાણકારો માટે વરદાન સાબિત થશે કિંમતી ધાતુ, જેફરીઝે પોર્ટફોલિયોમાં કર્યો મોટો ફેરફાર

નવી દિલ્હી, તા. ૧૬ : વૈશ્વિક બજારોના દિગ્ગજ વ્યૂહરચનાકાર અને જેફરીઝના એક્સપર્ટ ક્રિસ્ટોફર વુડે રોકાણકારોને ચોંકાવી દે તેવો નિર્ણય લીધો છે. વર્ષો સુધી બિટકોઈનના સમર્થક રહ્યા બાદ, હવે તેમણે પોતાના 'GREED & fear' પોર્ટફોલિયોમાંથી બિટકોઈનનો હિસ્સો સંપૂર્ણપણે હટાવીને ફરી એકવાર સુરક્ષિત ગણાતા 'ગોલ્ડ' એટલે કે સોના અને તેના માઇનિંગ સ્ટોક્સ પર દાવ લગાવ્યો છે. વુડનું માનવું છે કે હવે સમય ડિજિટલ એસેટ છોડીને ભૌતિક સોના તરફ વળવાનો છે.
શા માટે બિટકોઈનથી ડર્યા ક્રિસ વુડ?
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ બજારનો ઉતાર-ચઢાવ નથી, પરંતુ 'ક્વોન્ટમ કમ્પ્યુટિંગ'નો ઉભરતો ખતરો છે. વુડે ચેઇનકોડ લેબ્સના સંશોધનને ટાંકીને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ક્વોન્ટમ કમ્પ્યુટર્સ અત્યંત શક્તિશાળી બનશે ત્યારે બિટકોઈનની સુરક્ષા સિસ્ટમ તેને રોકી શકશે નહીં. અંદાજ મુજબ, હાલના ૨૦% થી ૫૦% જેટલા બિટકોઈન ચોરી થવાનું જોખમ છે. આ જોખમને કારણે લાંબા ગાળાના રોકાણ માટે બિટકોઈન હવે 'મૂલ્યનો સુરક્ષિત ભંડાર' રહ્યો નથી.
સોનું અને માઇનિંગ શેરોમાં નવી તક
ક્રિસ વુડે તેમના પોર્ટફોલિયોમાંથી બિટકોઈનની ૧૦% ફાળવણી દૂર કરી દીધી છે. તેમાંથી ૫% રકમ ભૌતિક સોનામાં અને બાકીની ૫% રકમ સોનાનું ખાણકામ કરતી કંપનીઓના શેરોમાં રોકવાની જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું કે, ભૂ-રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિમાં સોનું હંમેશા શ્રેષ્ઠ હેજ (રક્ષણ) સાબિત થયું છે. વર્ષ ૨૦૨૫માં સોનામાં ૬૬% થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને ૨૦૨૬માં પણ તેની તેજી ચાલુ રહેવાની પ્રબળ સંભાવના છે.
ઐતિહાસિક વળતર છતાં સાવચેતી
વુડે સ્વીકાર્યું હતું કે ૨૦૨૦ થી અત્યાર સુધીમાં બિટકોઈને ૩૨૫% વળતર આપીને સોનાના ૧૪૫% વળતરને પાછળ છોડી દીધું છે. પરંતુ, જ્યારે અસ્તિત્વનો સવાલ આવે ત્યારે ટેકનિકલ ખામી ડિજિટલ સંપત્તિને શૂન્ય કરી શકે છે, જ્યારે સોનું હજારો વર્ષોથી પોતાની કિંમત જાળવી રાખવામાં સફળ રહ્યું છે. રોકાણકારો માટે આ એક સ્પષ્ટ સંકેત છે કે હવે 'ડિજિટલ ગોલ્ડ' કરતા 'રિયલ ગોલ્ડ' પર ભરોસો મૂકવો વધુ હિતાવહ છે.

(4:30 PM IST)