<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મેડિકલ શિક્ષણમાં ગુણવત્તા સામે ખતરો? NEET-PG ના 'ઝીરો' કટ-ઓફ મામલે સુપ્રીમ કોર્ટમાં જંગ, ડોક્ટરોએ સરકારના નિર્ણયને ગણાવ્યો મનસ્વી

ખાલી બેઠકો ભરવા માટે લાયકાતના ધોરણો ઘટાડવા સામે નિષ્ણાતો લાલઘૂમ: "શું નકારાત્મક ગુણ લાવનાર ડોક્ટર દર્દીનો જીવ બચાવશે?" - અરજીમાં ઉઠાવાયા તીખા સવાલો

નવી દિલ્હી, તા. ૧૬ : દેશમાં ઉચ્ચ તબીબી શિક્ષણ (Post Graduation) ની ગુણવત્તાને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBEMS) દ્વારા ૧૩ જાન્યુઆરીએ જારી કરવામાં આવેલી એક નોટિસ, જેમાં NEET-PG ૨૦૨૫-૨૬ ના ક્વોલિફાઇંગ કટ-ઓફ પર્સન્ટાઇલને ઘટાડીને શૂન્ય (0) કે તેનાથી પણ નીચે લઈ જવાની વાત છે, તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. સામાજિક કાર્યકરો અને જાણીતા ન્યુરોસર્જન સહિતના ડોક્ટરોએ આ મામલે જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે.
જાહેર આરોગ્ય સાથે ચેડાંનો આક્ષેપ
અરજદારોની મુખ્ય દલીલ એ છે કે મેડિકલ જેવા સંવેદનશીલ વ્યવસાયમાં લાયકાતના ધોરણો ઘટાડવા એ સીધું જ જાહેર આરોગ્ય સાથે જોખમ ખેડવા સમાન છે. અરજીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, " મેડિકલ એ કોઈ સામાન્ય વ્યવસાય નથી, તે માનવ જીવન સાથે જોડાયેલી બાબત છે. માત્ર ખાલી બેઠકો ભરવાના હેતુથી અયોગ્ય ઉમેદવારોને પ્રવેશ આપવો એ સ્પર્ધાત્મક પરીક્ષાની ગરિમા અને મેરિટના પાયાને હચમચાવી નાખે છે."
બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી આ પીઆઈએલ મુજબ, સરકારનો આ નિર્ણય બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર) અને કલમ ૨૧ (જીવન જીવવાનો અધિકાર) નું ઉલ્લંઘન છે. ડોક્ટરોનું માનવું છે કે જો અત્યંત નબળા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનશે, તો ભવિષ્યમાં દર્દીઓની સુરક્ષા અને સારવારની ગુણવત્તા પર ગંભીર અસર પડશે.
નિયમોની વિરુદ્ધની કાર્યવાહી
અરજીમાં વધુમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નેશનલ મેડિકલ કમિશન (NMC) એક્ટ, ૨૦૧૯ ના કાયદાકીય આદેશો વિરુદ્ધ આ પગલું લેવામાં આવ્યું છે. જ્યારે મેડિકલ પીજી સ્તરે ઉચ્ચ ગુણવત્તાની અપેક્ષા રાખવામાં આવે છે, ત્યારે કટ-ઓફ ઘટાડીને તેને વહીવટી ઔપચારિકતા બનાવી દેવી એ ચિંતાજનક છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ દેશના ભાવિ ડોક્ટરોની ગુણવત્તા અને બેઠકો ભરવાની મજબૂરી વચ્ચે કેવો સંતુલિત ચુકાદો આપે છે.

(4:42 PM IST)