તા. ૯ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૪ શુક્રવાર
આધ્યાત્મિકતા કે આધુનિકતા? કરોડોની પોર્શ અને લેન્ડ રોવર લઈને માઘ મેળામાં ઉતર્યા 'સતુઆ બાબા', લક્ઝરી લાઈફસ્ટાઈલ જોઈ દુનિયા દંગ
સંતોષ તિવારીથી જગતગુરુ સુધીની સફર: વારાણસીના આ સંતની વૈભવી કારો અને રાજકીય પ્રભાવે સોશિયલ મીડિયા પર છેડી નવી ચર્ચા

પ્રયાગરાજ, તા. ૧૬ : સામાન્ય રીતે સંતો અને મહંતોના નામ પડે ત્યારે મનમાં સાદગી અને તપસ્યાની છબી ઉપસે છે, પરંતુ ઉત્તર ભારતના જાણીતા સંત 'સતુઆ બાબા' એ આ છબીને આધુનિકતાનો નવો રંગ આપ્યો છે. પ્રયાગરાજના માઘ મેળામાં જ્યારે જગતગુરુ મહામંડલેશ્વર સંતોષ દાસ ઉર્ફે સતુઆ બાબા પોતાની કરોડોની લક્ઝરી કારો સાથે પ્રવેશ્યા, ત્યારે શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થવાને બદલે તેમની 'સ્વાગ' સ્ટાઈલ જોઈને અચંબિત થઈ ગયા હતા.
પોર્શ અને ડિફેન્ડરનો દબદબો
સતુઆ બાબા પાસે માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નહીં, પણ વિશ્વની શાનદાર કારોનો સંગ્રહ પણ છે. તેમના કાફલામાં ₹3 કરોડથી વધુની કિંમતની પોર્શ 911 ટર્બો અને પહાડોની રાણી ગણાતી લેન્ડ રોવર ડિફેન્ડર જેવી ગાડીઓ સામેલ છે. જ્યારે મીડિયાએ તેમને આ મોંઘી કારો વિશે પૂછ્યું, ત્યારે બાબાએ અત્યંત હળવા અંદાજમાં જવાબ આપ્યો હતો કે, "કિંમત જાણવી હોય તો ગૂગલ (Google) ને પૂછી લો!" તેમનો આ જવાબ અને હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલ અત્યારે ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
સંઘર્ષથી સત્તા સુધીની સફર
આજે વૈભવી જીવન જીવતા સતુઆ બાબાનો ભૂતકાળ સંઘર્ષમય રહ્યો છે. ઉત્તર પ્રદેશના લલિતપુરમાં સંતોષ તિવારી તરીકે જન્મેલા આ સંતે માત્ર 11 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. વર્ષોની સાધના બાદ 2012માં તેઓ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના 57મા આચાર્ય બન્યા. 2025ના મહાકુંભમાં તેમને 'જગતગુરુ' ની પદવી એનાયત કરવામાં આવી હતી. આજે કાશી અને પ્રયાગરાજમાં તેમનો આધ્યાત્મિક દબદબો એટલો છે કે મોટા નેતાઓ પણ તેમના આશીર્વાદ લેવા પડાપડી કરે છે.
રાજકારણ અને વિવાદો સાથે નાતો
સતુઆ બાબા માત્ર ધાર્મિક રીતે જ નહીં, પણ રાજકીય રીતે પણ પ્રભાવશાળી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ અનેક પ્રસંગોએ તેઓ જોવા મળ્યા છે. તાજેતરમાં જ્યારે પ્રયાગરાજના કલેક્ટર તેમના આશ્રમમાં રોટલી વણતા દેખાયા, ત્યારે મોટો વિવાદ થયો હતો અને મામલો ડેપ્યુટી સીએમ સુધી પહોંચ્યો હતો. બાબાનું કહેવું છે કે આ સુખ-સુવિધાઓ તેમના વ્યક્તિગત ભોગ માટે નહીં, પણ સનાતન ધર્મના પ્રચાર અને સાધુ-સંતોની સેવા માટે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
