<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

બાબા મહાકાલના શરણમાં ટીમ ઈન્ડિયાના 'ગુરુ': ગૌતમ ગંભીરે ભસ્મ આરતીમાં લીધો ભાગ, મા બગલામુખીના દરબારમાં કરી વિશેષ પૂજા

નંદી હોલમાં બેસી ગંભીરે શિવભક્તિમાં લીન થઈ આશીર્વાદ મેળવ્યા, આગામી મેચોમાં ભારતની જીત અને દેશની સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

ઉજ્જૈન, તા. ૧૬ : ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને પૂર્વ દિગ્ગજ ઓપનર ગૌતમ ગંભીર આજે એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. મેદાન પર પોતાની આક્રમક રણનીતિ માટે જાણીતા ગંભીર આજે વહેલી સવારે ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલેશ્વરના દરબારમાં નતમસ્ત થયા હતા. તેમણે પરંપરાગત વસ્ત્રો ધારણ કરી અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન મહાકાલની દિવ્ય ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો.
ભસ્મ આરતીમાં દિવ્ય અનુભૂતિ
વહેલી સવારે ૩ વાગ્યે શરૂ થતી ભસ્મ આરતીમાં ગૌતમ ગંભીર નંદી હોલમાં શિસ્તબદ્ધ રીતે બેઠેલા જોવા મળ્યા હતા. મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે તેમણે ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન શિવના રૂદ્ર સ્વરૂપના દર્શન કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગંભીરે ભારતીય ક્રિકેટ ટીમની આગામી શ્રેણીઓમાં ભવ્ય સફળતા અને ખેલાડીઓના સારા સ્વાસ્થ્ય માટે વિશેષ મનોકામના કરી હતી.
મા બગલામુખીના આશીર્વાદ લીધા
મહાકાલના દર્શન કર્યા બાદ ગંભીર અગર માલવા જિલ્લાના નલખેડા પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિશ્વ પ્રસિદ્ધ મા બગલામુખી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. તંત્ર-મંત્ર અને વિજયની દેવી ગણાતી મા બગલામુખીના ચરણોમાં શિશ ઝુકાવી તેમણે દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન મંદિર સમિતિ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
ચાહકોમાં ભારે ઉત્સાહ
ટીમ ઈન્ડિયાના કોચને અચાનક પોતાની વચ્ચે જોઈને ભક્તો અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગંભીરે પણ અત્યંત સાદગીપૂર્વક સૌનું અભિવાદન ઝીલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહત્ત્વની શ્રેણીઓ પહેલા ભારતીય દિગ્ગજો અવારનવાર દેવાધિદેવ મહાદેવના શરણમાં આશીર્વાદ લેવા પહોંચતા હોય છે.

(4:37 PM IST)