<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ગુજરાત હાઈકોર્ટની 'સિસ્ટમ' અપડેટ: કેસોના ઝડપી નિકાલ માટે નવી SOP જાહેર, બીજી તરફ બિનજરૂરી અપીલ કરવા બદલ સરકારને ફટકાર

સરકારી બાબુઓની મનમાની સામે કોર્ટ લાલઘૂમ: નેગેટિવ અભિપ્રાય છતાં ખાનગી વિવાદમાં અપીલ કેમ કરી? એડિશનલ ચીફ સેક્રેટરીને તપાસના આદેશ

અમદાવાદ, તા. ૧૬ : ગુજરાત હાઈકોર્ટ આજે બે મહત્વના કારણોસર ચર્ચામાં રહી છે. એક તરફ કોર્ટે વહીવટી પ્રક્રિયાને સુધારવા માટે મહત્વના ફેરફારો કર્યા છે, તો બીજી તરફ જમીનના એક ખાનગી વિવાદમાં સરકારી તિજોરીના નાણાં વેડફવા બદલ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે.
કેસોના ભારણને હળવું કરવા નવી SOP
હાઈકોર્ટમાં સતત વધી રહેલા કેસોના ભારણને પહોંચી વળવા અને રજિસ્ટ્રીની કામગીરીને વધુ સુવ્યવસ્થિત કરવા માટે મુખ્ય ન્યાયાધીશ દ્વારા સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. ૨ ફેબ્રુઆરીથી અમલમાં આવનારી આ નવી ગાઈડલાઈન મુજબ, કેસોનું લિસ્ટિંગ હવે વધુ ઝડપી બનશે અને વેરિફિકેશનની પ્રક્રિયામાં થતો વિલંબ ઘટશે. કોર્ટે નોંધ્યું છે કે ફાઇલિંગની સંખ્યા સતત વધી રહી હોવાથી જૂની પદ્ધતિ અટપટી બની રહી હતી, જેનો ઉકેલ હવે આ નવી SOP થી આવશે.
સરકારી તંત્ર સામે તપાસનો કોરડો
બીજી એક મહત્વની સુનાવણીમાં, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને તપાસનો આદેશ આપ્યો છે. મામલો એવો છે કે ભાઈ-બહેન વચ્ચેના જમીનના ખાનગી વિવાદમાં સિવિલ કોર્ટે હુકમનામું આપ્યું હોવા છતાં, સરકારી વકીલ અને કાયદા વિભાગના 'નેગેટિવ' અભિપ્રાય છતાં મહેસૂલ વિભાગે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
"જનતાના નાણાંનો વેડફાટ સહન નહીં થાય"
કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, "જ્યારે રાજ્ય સરકારને આ જમીનમાં કોઈ રસ જ નથી, તો પછી ખાનગી વિવાદમાં પબ્લિક ફંડ અને ન્યાયિક સમયનો વેડફાટ કેમ કરવામાં આવ્યો?" એડવોકેટ જનરલના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સરકારી વકીલે ના પાડી હોવા છતાં મહેસૂલ વિભાગે અપીલ કરવા જીદ પકડી હતી. આ મામલે હવે બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે, જેથી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરી શકાય.

(4:38 PM IST)