હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

વોશિંગ્ટન, તા. ૧૬ : અમેરિકાના મિનેસોટા રાજ્યમાં ઈમિગ્રેશન એજન્ટોની કાર્યવાહીને લઈને ફાટી નીકળેલા હિંસક પ્રદર્શન બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ખુલ્લી ધમકી આપી છે કે જો મિનેસોટાના 'ભ્રષ્ટ રાજકારણીઓ' આંદોલનકારીઓને નહીં રોકે, તો તેઓ ૧૮૦૭ ના બળવા કાયદા (Insurrection Act) નો ઉપયોગ કરીને ત્યાં સૈન્ય દળો તૈનાત કરશે. ટ્રમ્પના આ નિવેદને અમેરિકાના રાજકારણમાં અને રસ્તાઓ પર ખળભળાટ મચાવી દીધો છે.
શા માટે ફાટી નીકળી હિંસા?
આ સમગ્ર વિવાદ આઠ દિવસ પહેલા શરૂ થયો હતો, જ્યારે મિનેપોલિસમાં ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્ટ દ્વારા રેની ગુડ નામના યુએસ નાગરિકની કારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા. સ્થિતિ ત્યારે વધુ બગડી જ્યારે ગઈકાલે એજન્ટોએ વધુ એક વેનેઝુએલાના વ્યક્તિને ગોળી મારી દીધી. હાલ મિનેપોલિસની શેરીઓમાં લશ્કરી પોશાક પહેરેલા ૩,૦૦૦ ફેડરલ અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે સીધી લડાઈ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ટ્રમ્પનો કડક મિજાજ અને વિવાદ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આંદોલનકારીઓને 'બળવાખોર' ગણાવ્યા છે અને ઈમિગ્રેશન અધિકારીઓને 'દેશભક્ત' કહી તેમનો બચાવ કર્યો છે. બીજી તરફ, પ્રદર્શનકારીઓનો આરોપ છે કે અધિકારીઓ સામાન્ય નાગરિકો સાથે 'પ્રાણી' જેવું વર્તન કરી રહ્યા છે. એક અપંગ મહિલાને તેની કારમાંથી ખેંચીને બાંધી દેવાની ઘટનાનો વિડિયો વાયરલ થયા બાદ લોકોમાં ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. ટ્રમ્પના આ કડક વલણને કારણે ખુદ રિપબ્લિકન પાર્ટીના સમર્થકોમાં પણ બે ફાંટા પડી ગયા છે.
શું છે આ બળવા કાયદો?
૧૮૦૭ નો બળવા કાયદો અમેરિકાના રાષ્ટ્રપતિને એ ખાસ સત્તા આપે છે કે જ્યારે રાજ્ય સરકારો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જાય, ત્યારે તેઓ રાજ્યના ગવર્નરની મંજૂરી વગર પણ સૈન્યનો ઉપયોગ કરી શકે છે. અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર ૩૦ વખત જ આ કાયદાનો ઉપયોગ થયો છે. જો ટ્રમ્પ આ કાયદો લાગુ કરશે, તો અમેરિકાના લોકશાહી ઇતિહાસમાં આ એક અત્યંત વિવાદાસ્પદ અને મોટું પગલું માનવામાં આવશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM