<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ઈતિહાસનો અરીસો: સાયરસ સિલિન્ડર અને ઈરાનના 'જુલમી' શાસકો, ૨૫૦૦ વર્ષ જૂના માનવ અધિકારના પાયા પર કેમ ફરી રહ્યું છે બુલડોઝર?

શાહનો અંધાધૂંધ વૈભવ હોય કે આયાતુલ્લાહનું કટ્ટર શાસન; પર્શિયન સામ્રાજ્યના સ્થાપક સાયરસ ધ ગ્રેટના આદર્શોનો વારંવાર થયો છે દ્રોહ - જાણો શું છે આ રહસ્યમય માટીનું સિલિન્ડર

તેહરાન, તા. ૧૬ : વર્ષ ૧૯૭૧માં ઈરાનના રણમાં એક એવી પાર્ટી યોજાઈ હતી જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. ૨,૫૦૦ વર્ષ જૂના પર્શિયન સામ્રાજ્યની વર્ષગાંઠ નિમિત્તે ઈરાનના તત્કાલીન શાહ મોહમ્મદ રેઝા પહલવીએ અબજો ડોલરનો ધુમાડો કર્યો હતો. ફ્રાન્સથી ક્રોકરી, પેરિસનું ભોજન અને ૭૦ દેશોના નેતાઓ - આ બધું જ 'સાયરસ ધ ગ્રેટ' ના વારસાને ઉજવવા માટે હતું. પરંતુ વક્રોક્તિ એ હતી કે જે સાયરસ ધ ગ્રેટ સહિષ્ણુતા અને માનવ અધિકાર માટે જાણીતા હતા, તેમના જ નામે શાહ પોતાના લોકો પર દમન ગુજારતા હતા. આજે ૨૦૨૬માં પણ, ઈરાનના વર્તમાન શાસકો એ જ પ્રાચીન માટીના સિલિન્ડર સામે 'શરમાઈ' રહ્યા હોય તેવી સ્થિતિ છે.
શું છે સાયરસ સિલિન્ડર?
ઈ.સ. પૂર્વે ૫૩૯ માં પર્શિયાના મહાન રાજા સાયરસે બેબીલોન પર વિજય મેળવ્યા બાદ માટીના એક નાના બેરલ આકારના સિલિન્ડર પર અક્કાડિયન ક્યુનિફોર્મ લિપિમાં એક સંદેશ કોતરાવ્યો હતો. આ દસ્તાવેજને આજે વિશ્વમાં 'માનવ અધિકારોનું પ્રથમ ચાર્ટર' માનવામાં આવે છે. તેમાં ગુલામોને મુક્ત કરવાની, ધાર્મિક સ્વતંત્રતા આપવાની અને વિજય બાદ પ્રજા પર અત્યાચાર ન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. યુનેસ્કોએ પણ તેને ન્યાય અને સહિષ્ણુતાનું પ્રથમ લેખિત સ્વરૂપ ગણાવ્યું છે.
ઈતિહાસની ભુલભુલામણી અને વિશ્વાસઘાત
૧૮૭૯માં બ્રિટિશ પુરાતત્વવિદ્ હોર્મુઝદ રસમ દ્વારા શોધાયેલું આ સિલિન્ડર હાલમાં લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે. ઈરાનના શાહે આ સિલિન્ડરને ઉધાર માંગીને પ્રદર્શિત કર્યું હતું, પણ તેમના શાસનમાં લોકશાહી કે વ્યક્તિગત સ્વતંત્રતાને કોઈ સ્થાન નહોતું. પરિણામે ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ થઈ અને શાહનું પતન થયું. પરંતુ, શું ક્રાંતિ બાદ સ્થિતિ સુધરી? કમનસીબે ના.
આધુનિક ઈરાન અને સાયરસનો 'શાપ'
આજે આયાતુલ્લાહ ખામેનીના શાસન હેઠળ પણ ઈરાનમાં માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ૨,૬૦૦ થી વધુ વિરોધીઓની હત્યા, હજારોની ધરપકડ અને ઇન્ટરનેટ પરના પ્રતિબંધો એ વાતની સાક્ષી પૂરે છે કે ૨,૫૦૦ વર્ષ પહેલા જે માટીમાં માનવીય ગૌરવના મૂલ્યો કોતરવામાં આવ્યા હતા, તે જ ભૂમિ આજે લોહીથી ખરડાયેલી છે. શાસકો બદલાયા, પણ સાયરસના આદર્શો સાથેનો વિશ્વાસઘાત ચાલુ રહ્યો છે. ઈતિહાસ ગવાહ છે કે જે શાસકોએ પોતાના જ ભવ્ય ભૂતકાળના મૂલ્યોને નકાર્યા છે, તેમનું પતન નિશ્ચિત બન્યું છે.

(4:43 PM IST)