હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડિજિટલ દુનિયામાં ચીનનો 'લોખંડી પડદો': અમેરિકા અને ઈઝરાયેલની સાયબર કંપનીઓ સામે બેઇજિંગનું યુદ્ધ
રાષ્ટ્રીય સુરક્ષાના બહાને ચીને વિદેશી ટેક-જાયન્ટ્સ માટે દરવાજા બંધ કર્યા: 1 જાન્યુઆરીથી અમલી બનેલા કઠોર કાયદાએ વૈશ્વિક ટેકનોલોજી બજારમાં ફાળકો પાડી દીધો : ડેટા સ્થાનિકીકરણ અને કરોડોના દંડની જોગવાઈથી પશ્ચિમી સોફ્ટવેર કંપનીઓ મુશ્કેલીમાં

બેઇજિંગ: ચીને પોતાની ડિજિટલ સરહદોને અભેદ્ય બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે, જેની અસર સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહી છે. ચીનના સુધારેલા સાયબર સુરક્ષા કાયદા (CSL) એ 1 જાન્યુઆરી, 2026 થી કાર્યરત થઈને પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયેલની ટોચની સાયબર સુરક્ષા કંપનીઓ પર સીધો પ્રહાર કર્યો છે. VMware, CrowdStrike અને Palo Alto Networks જેવી દિગ્ગજ કંપનીઓને હવે ચીની બજારમાંથી બહાર ફેંકાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. આ કાયદો માત્ર વેપાર પર પ્રતિબંધ નથી, પરંતુ ચીન દ્વારા પશ્ચિમી ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટાડવા માટેનો એક વ્યૂહાત્મક 'ડિજિટલ બહિષ્કાર' માનવામાં આવે છે.
આ નવા કાયદા હેઠળ ચીની સરકારને અગાઉ ક્યારેય નહોતી એવી સત્તાઓ મળી છે. હવે કોઈપણ સાયબર સુરક્ષા ઉત્પાદન ચીનમાં વેચતા પહેલા સરકારી પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય બન્યું છે. જો કોઈ કંપની સરકાર દ્વારા નિર્ધારિત માપદંડોમાં નિષ્ફળ જશે, તો તેના પર પ્રતિબંધ તો મુકાશે જ, પરંતુ તે સોફ્ટવેરનો ઉપયોગ કરનાર સ્થાનિક ચીની ગ્રાહકોને પણ 10 મિલિયન યુઆન ($1.4 મિલિયન) સુધીનો જંગી દંડ ભરવો પડી શકે છે. આ આક્રમક વલણ પાછળ ચીનનો ઉદ્દેશ્ય પોતાની કંપનીઓને વિદેશી સોફ્ટવેર છોડીને ફરજિયાતપણે સ્વદેશી ટેકનોલોજી અપનાવવા માટે મજબૂર કરવાનો છે.
ડેટા લોકલાઇઝેશન એટલે કે ડેટા સ્થાનિકીકરણના નિયમોએ ક્લાઉડ-આધારિત કંપનીઓ માટે મોટો પડકાર ઉભો કર્યો છે. નવી કલમો મુજબ, ચીનમાં એકત્રિત કરવામાં આવેલો તમામ ડેટા ચીનની અંદર જ સંગ્રહિત કરવો પડશે. CrowdStrike અને SentinelOne જેવી કંપનીઓ સામાન્ય રીતે વૈશ્વિક સ્તરે જોખમોનું વિશ્લેષણ કરવા માટે ડેટાને વિદેશી સર્વર પર મોકલે છે, જે હવે ચીનમાં ગુનો ગણાશે. ચીનનો આ 'ડેટા સાર્વભૌમત્વ'નો આગ્રહ વાસ્તવમાં પશ્ચિમી ઇન્ટેલિજન્સ એજન્સીઓ સુધી ચીની માહિતી પહોંચતી અટકાવવાનો એક માસ્ટરપ્લાન છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત કાયદાની 'બાહ્ય પહોંચ' છે. ચીને હવે એવો પાવર મેળવી લીધો છે કે જો કોઈ કંપની ચીનમાં ભૌતિક રીતે હાજર ન હોય, પણ તેના સોફ્ટવેરથી ચીનની સુરક્ષાને જોખમ લાગે, તો તે તેની મિલકતો ફ્રીઝ કરી શકે છે. આ પગલાથી ચીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે વૈશ્વિક ડિજિટલ ઇકોસિસ્ટમથી અલગ થઈને પોતાનું એક સ્વાયત્ત અને નિયંત્રિત ઇન્ટરનેટ વિશ્વ બનાવવા માંગે છે. આ વૈશ્વિક ટેક-કોલ્ડ વોરની શરૂઆત હોઈ શકે છે, જ્યાં હવે ટેકનોલોજી માત્ર સુવિધા નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષાનું હથિયાર બની ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
