કેનેડાનો અમેરિકાને જોરદાર આંચકો: ટ્રમ્પની નીતિઓ સામે માર્ક કાર્નીનો 'ચીન કાર્ડ' ખેલીને માસ્ટરસ્ટ્રોક
વર્ષોની દુશ્મની બાદ કેનેડા અને ચીન વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી: ઇલેક્ટ્રિક કાર પરનો 100% ટેરિફ હટાવીને વડાપ્રધાન કાર્નીએ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાના સંકેત આપ્યા : બદલામાં કેનેડિયન ખેડૂતો માટે ચીનના બજારો ખુલ્યા

બેઇજિંગ: વૈશ્વિક રાજનીતિના પટલ પર એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં કેનેડાએ તેના દાયકાઓ જૂના સાથી અમેરિકાનો સાથ છોડીને ચીન સાથે દોસ્તીનો હાથ મિલાવ્યો છે. વડાપ્રધાન માર્ક કાર્નીની બેઇજિંગની મુલાકાત માત્ર એક સામાન્ય પ્રવાસ નહીં, પરંતુ 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ સામે કેનેડાનો આર્થિક બળવો સાબિત થઈ રહી છે. જસ્ટિન ટ્રુડોના સમયમાં ચીની ઇલેક્ટ્રિક વાહનો (EVs) પર લાદવામાં આવેલા 100% આયાત ટેરિફને નાબૂદ કરવાનો નિર્ણય એ સાબિત કરે છે કે કેનેડા હવે પોતાની આર્થિક નીતિઓ વોશિંગ્ટનની મરજી મુજબ નહીં, પરંતુ પોતાના ફાયદા મુજબ નક્કી કરશે. આ કરારથી કેનેડાના રસ્તાઓ પર સસ્તી ચીની ઈલેક્ટ્રિક કાર દોડતી જોવા મળશે, જે પર્યાવરણ અને ગ્રાહકો બંને માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
આ સોદો માત્ર કાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ કેનેડાના કૃષિ ક્ષેત્રને બચાવવાની મજબૂત વ્યૂહરચના છે. ચીને બદલામાં કેનેડિયન કેનોલા બીજ પરના આશરે 84% જેટલા તોતિંગ ટેરિફને ઘટાડીને માત્ર 15% કરી દીધા છે. છેલ્લા કેટલાક સમયથી ચીન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે કેનેડાના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હતા, જેમને હવે ફરીથી વિશ્વનું સૌથી મોટું બજાર મળ્યું છે. વડાપ્રધાન કાર્નીએ બેઇજિંગના હાર્દ સમાન પાર્કમાંથી સ્પષ્ટ કર્યું કે, વૈશ્વિક વેપાર જ્યારે દબાણ હેઠળ હોય ત્યારે દેશોએ પોતાના મતભેદો બાજુ પર મૂકીને આર્થિક હિતો પર ધ્યાન આપવું જોઈએ. કેનેડાએ હવે યુએસ માર્કેટ પરની અતિશય નિર્ભરતા ઘટાડીને એશિયા તરફ નજર દોડાવવાનું શરૂ કરી દીધું છે.
માર્ક કાર્નીની આ મુલાકાતથી અમેરિકી વહીવટીતંત્રમાં ચોક્કસપણે ચિંતાના મોજા ફરી વળ્યા છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓએ કેનેડા જેવા પાડોશી દેશને ચીન તરફ ધકેલી દીધો છે. કેનેડા હવે દર વર્ષે 49,000 થી શરૂ કરીને 70,000 ચીની EVs આયાત કરશે, જે અમેરિકાના ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સીધો પડકાર છે. આ ઐતિહાસિક કરાર માત્ર કૃષિ, ઊર્જા અને નાણાં ક્ષેત્રે સહકાર જ નથી વધારતો, પરંતુ તે પશ્ચિમી દેશોના જૂથમાં પડેલી તિરાડને પણ સ્પષ્ટ કરે છે. ચીને પણ આ તકનો લાભ ઉઠાવીને ઉત્તર અમેરિકામાં પોતાનો પ્રભાવ વધારવા માટે કેનેડાને એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે પસંદ કર્યું છે, જે આવનારા સમયમાં વૈશ્વિક વેપાર સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
