<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

બાંગ્લાદેશમાં 'કઠપૂતળી' શાસન? હિન્દુઓના આક્રોશ સામે યુનુસ મૌન : પણ 'હાદી પરિવાર' પર મહેરબાન

કટ્ટરપંથીઓના દબાણ સામે ઝૂકેલા ડૉ. યુનુસે ઉસ્માન હાદીના ભાઈને લંડનમાં રાજદ્વારી પદ સોંપ્યું: લઘુમતીઓ પરના અત્યાચારો તરફ આંખ આડા કાન કરનાર સરકારની નબળાઈ છતી થઈ

ઢાકા: બાંગ્લાદેશમાં લોકશાહીના નામે સત્તા પર આવેલા ડૉ. મુહમ્મદ યુનુસની સરકાર હવે કટ્ટરપંથી સંગઠનોના હાથનું રમકડું બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ દેશમાં હિન્દુ લઘુમતીઓ પર હુમલા અને લિંચિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી, ત્યાં બીજી તરફ યુનુસ સરકાર 'ઈન્કિલાબ મંચ' જેવા સંગઠનોને ખુશ કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં જ જારી કરાયેલા આદેશ મુજબ, દિવંગત ઇન્કિલાબ મંચના નેતા શરીફ ઉસ્માન બિન હાદીના મોટા ભાઈ ઓમર બિન હાદીને બર્મિંગહામ, યુકેમાં બાંગ્લાદેશના 'સેકન્ડ સેક્રેટરી' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકને નિષ્ણાતો યુનુસ સરકારની લાચારી અને કટ્ટરપંથીઓ સામેના શરણાગતિ તરીકે જોઈ રહ્યા છે.

જુલાઈ ૨૦૨૪ના હિંસક વિરોધ પ્રદર્શનનો ચહેરો ગણાતા ઉસ્માન હાદીની ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ હત્યા થઈ હતી, ત્યારબાદ ઈન્કિલાબ મંચે સરકારને સીધું અલ્ટીમેટમ આપી રાજીનામાની ધમકી આપી હતી. આ દબાણ સામે નમી ગયેલા ડૉ. યુનુસે માત્ર હાદીને 'અમર શહીદ' જ જાહેર નથી કર્યા, પરંતુ હવે તેમના પરિવારને ઉચ્ચ રાજદ્વારી હોદ્દાઓ વહેંચવાનું શરૂ કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે જે સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે, તે હવે વિદેશી મિશનમાં રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓની નિમણૂક કરીને પોતાની સત્તા બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા આ પ્રકારના 'ગિફ્ટ' પેકેજ રાજકીય ગલીયારામાં ચર્ચાનો વિષય બન્યા છે.

બાંગ્લાદેશની આંતરિક સ્થિતિ અત્યંત સ્ફોટક છે, જ્યાં સરકાર શાસન ચલાવવાને બદલે સંગઠનોના સેવક તરીકે કામ કરતી દેખાય છે. જ્યારે હાદીના હત્યારાઓને પકડવામાં તંત્ર નિષ્ફળ ગયું, ત્યારે પાયાવિહોણા આરોપો લગાવીને ભારત પર દોષારોપણ કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ થયો હતો. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે છબી બગડી રહી છે, ત્યારે યુકે જેવા મહત્વના દેશમાં બિનઅનુભવી વ્યક્તિની નિમણૂક કરવી એ બાંગ્લાદેશના રાજદ્વારી ભવિષ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે. સામાન્ય જનતા પૂછી રહી છે કે શું યુનુસ સરકાર માટે માત્ર એક ચોક્કસ પરિવારની ખુશી જ સર્વોપરી છે, જ્યારે સામાન્ય હિન્દુઓ અને નાગરિકો ન્યાય માટે ટળવળી રહ્યા છે?

(6:50 PM IST)