રેતીના કાળા કારોબાર પર EDની 'સ્ટ્રાઈક': ₹1.34 કરોડનું બેંક બેલેન્સ અને લક્ઝરી કારોનો કાફલો જપ્ત
MP અને મહારાષ્ટ્રના 16 ઠેકાણાઓ પર EDનો સપાટો: ફેક ટ્રાન્ઝિટ પરમિટના આધારે ચાલતું હતું કરોડોનું કૌભાંડ: લિસ્ટમાં શિવસેનાના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું

નાગપુર : રેતીના ગેરકાયદેસર ખનન અને પરિવહન દ્વારા સરકારી તિજોરીને ચૂનો લગાવનારા માફિયાઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ લોખંડી પંજો કસ્યો છે. મધ્યપ્રદેશના ભોપાલ, હોશંગાબાદ અને બેતુલથી લઈને મહારાષ્ટ્રના નાગપુર અને ભંડારા સુધી ફેલાયેલા આ નેટવર્ક પર EDની ટીમોએ શુક્રવારે એકસાથે 16 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં માત્ર ₹38.43 લાખની રોકડ જ નહીં, પરંતુ બેંક ખાતાઓમાં પડેલા ₹1.34 કરોડ પણ સીઝ કરી દેવામાં આવ્યા છે. રેતીના આ કાળા ખેલમાં લક્ઝરી લાઈફ જીવતા માફિયાઓની BMW, ફોર્ચ્યુનર અને થાર જેવી કિંમતી ગાડીઓ પણ હવે EDના કબજામાં છે.
આ આખું કૌભાંડ અત્યંત ચાલાકીથી ચલાવવામાં આવતું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, માફિયાઓ મધ્યપ્રદેશના ઘાટોના નામે 'ફેક ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝિટ પરમિટ' (ETP) બનાવતા હતા. કાગળ પર એવું દર્શાવવામાં આવતું કે રેતી મધ્યપ્રદેશથી લાવવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવમાં તે મહારાષ્ટ્રના સ્થાનિક ઘાટોમાંથી જ ગેરકાયદેસર રીતે ચોરવામાં આવતી હતી. આ માટે ₹6,000 થી ₹10,000 માં એક બોગસ પરમિટ વેચવાનું આખું સિન્ડિકેટ કાર્યરત હતું. જીપીએસ ડેટાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે જે ટ્રકો મધ્યપ્રદેશ હોવાનો દાવો કરતી હતી, તે ક્યારેય સરહદ ઓળંગી જ નહોતી. આ રીતે અત્યાર સુધીમાં અંદાજે ₹30 કરોડથી વધુના 'પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ' જનરેટ થયા હોવાનું મનાય છે.
આ મામલે રાજકીય ગરમાવો પણ તેજ થયો છે, કારણ કે દરોડાના લિસ્ટમાં શિવસેના (UBT) ના નાગપુર જિલ્લા પ્રમુખ ઉત્તમ કાપસે અને અન્ય કેટલાક રાજકીય રીતે વગ ધરાવતા લોકોના નામ સામે આવ્યા છે. જાન્યુઆરી 2026 માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા EDની આ કાર્યવાહીને કારણે વિપક્ષી છાવણીમાં ફફડાટ ફેલાયો છે. તપાસ એજન્સીએ જેસીબી અને પોક્લેન મશીનો જેવા ભારે સાધનો પણ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ નદીઓના પટ ચીરવા માટે થતો હતો. હવે EDની તપાસ એ દિશામાં છે કે આ કરોડોની કાળી કમાણી કયા કયા નેતાઓ અને અધિકારીઓના ખિસ્સા સુધી પહોંચી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
