<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

સુદાનના ગૃહયુદ્ધમાં પાકિસ્તાનનો 'બળતામાં ઘી' હોમવાનો ખેલ: 1.5 ડોલર અબજ માં વેચશે 'મેડ ઇન ચાઇના' ફાઇટર જેટ્સ

ભયંકર માનવીય સંકટ વચ્ચે પાકિસ્તાનનો શસ્ત્રો વેચી ડોલર કમાવવાનો પેંતરો: JF-17 થંડર વિમાનોથી સુદાનની સેનાને મજબૂત કરવાની તૈયારી લ આરબ દેશોમાં લશ્કરી પ્રભાવ વધારવા ઇસ્લામાબાદે આંતરરાષ્ટ્રીય દબાણને પણ ફગાવ્યું

ઇસ્લામાબાદ : આર્થિક સંકટમાં ફસાયેલું પાકિસ્તાન હવે રક્તરંજીત ગૃહયુદ્ધનો સામનો કરી રહેલા સુદાનના ભોગે પોતાની તિજોરી ભરવાની ફિરાકમાં છે. પાકિસ્તાન અને સુદાન વચ્ચે 1.5 અબજ ડોલરના જંગી સંરક્ષણ સોદા માટેની વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું મનાય છે. આ સોદા હેઠળ પાકિસ્તાન તેના ચાઇનીઝ મૂળના JF-17 થંડર ફાઇટર જેટ્સ અને અન્ય ઘાતક શસ્ત્રો સુદાનની સેનાને સપ્લાય કરશે. એક તરફ જ્યાં સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો (RSF) વચ્ચેના યુદ્ધમાં હજારો નિર્દોષોના મોત થઈ રહ્યા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે, ત્યાં પાકિસ્તાનનું આ 'વોર-બિઝનેસ' મોડેલ માનવતાવાદી સંગઠનો માટે ચિંતાનો વિષય બન્યું છે.

પાકિસ્તાન અને ચીન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલું JF-17 થંડર વિમાન અત્યારે તેની ઓછી કિંમતને કારણે ગરીબ અને સંઘર્ષગ્રસ્ત દેશો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પશ્ચિમી દેશોના ફાઇટર જેટ્સની સરખામણીએ માત્ર $25 થી $30 મિલિયનમાં મળતું આ વિમાન પાકિસ્તાન માટે વિદેશી હૂંડિયામણ મેળવવાનો કામધેનુ ગાય સમાન સ્ત્રોત સાબિત થઈ રહ્યું છે. સાઉદી અરેબિયા સાથેના સંરક્ષણ કરાર બાદ પાકિસ્તાન હવે આખા આરબ અને આફ્રિકન ક્ષેત્રમાં શસ્ત્રોના મોટા સપ્લાયર તરીકે ઉભરવા માંગે છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ શસ્ત્રોનો ઉપયોગ સુદાનમાં માનવાધિકારના ભંગ અને મહિલાઓ-બાળકો સામેની હિંસામાં થઈ શકે છે, જેની નૈતિક જવાબદારી પાકિસ્તાન પર આવશે.

આ સોદો પાકિસ્તાન માટે માત્ર આર્થિક જ નહીં પણ વ્યૂહાત્મક રીતે પણ જોખમી સાબિત થઈ શકે છે. સુદાનના ગૃહયુદ્ધમાં વિવિધ આરબ દેશો અલગ-અલગ જૂથોને સમર્થન આપી રહ્યા છે. જો પાકિસ્તાની શસ્ત્રો સાઉદી અરેબિયા કે યુએઈના હિતો વિરુદ્ધ વપરાય, તો પાકિસ્તાનને તેના સૌથી મોટા આર્થિક મદદગારોની નારાજગી વહોરવી પડી શકે છે. લિબિયાના બળવાખોર નેતા ખલીફા હફ્તાર સાથે પણ પાકિસ્તાનના ગુપ્ત સોદાના અહેવાલોથી રાજદ્વારી ગલીયારામાં ખળભળાટ મચ્યો છે. શું પાકિસ્તાન માત્ર ડોલરની લાલચમાં આખા આફ્રિકન ખંડની અસ્થિરતામાં ભાગીદાર બનશે? તે હવે વૈશ્વિક મંચ પર ચર્ચાનો વિષય છે.

(7:51 PM IST)