હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંરક્ષણ ક્ષેત્રમાં 'મેગા માસ્ટરસ્ટ્રોક': વિદેશી રોકાણના દરવાજા ખુલશે : હવે ભારતમાં જ બનશે આધુનિક ફાઈટર જેટ્સ
74% થી વધુ FDI માટે સરકારના નિયમો થશે હળવા: પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ સેનાને વધુ ધારદાર બનાવવાની રણનીતિ : લોકહીડ માર્ટિન અને એરબસ જેવી કંપનીઓ માટે લાલ જાજમ પાથરશે ભારત

નવી દિલ્હી: ભારત હવે વિશ્વના 'સૌથી મોટા શસ્ત્ર આયાતકાર'નું ટેગ હટાવીને 'સંરક્ષણ ઉત્પાદન હબ' બનવા તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર સંરક્ષણ કંપનીઓમાં વિદેશી સીધા રોકાણ (FDI) ના નિયમોને અત્યંત સરળ બનાવવાની તૈયારી કરી રહી છે. ખાસ કરીને, ઓટોમેટિક રૂટ હેઠળ 49% ની મર્યાદા વધારીને 74% કરવામાં આવી શકે છે, જેનાથી વિદેશી કંપનીઓ માટે ભારતીય સાહસોમાં મોટો હિસ્સો ખરીદવો અને અહીં જ ઉત્પાદન શરૂ કરવું સરળ બનશે. ગયા વર્ષે પાકિસ્તાન સાથે થયેલા સરહદી તણાવ બાદ આર્મી, નેવી અને એરફોર્સને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ કરવા માટે આર્થિક અવરોધો દૂર કરવા સરકાર કટિબદ્ધ છે.
આ સુધારાનો સૌથી મોટો ફાયદો એ થશે કે અત્યાર સુધી જે વિદેશી કંપનીઓ 'અદ્યતન ટેકનોલોજી' આપવાની અસ્પષ્ટ શરતોને કારણે રોકાણ કરતા અચકાતી હતી, તેમને હવે બિનશરતી પ્રવેશ મળી શકે છે. અગાઉ કંપનીઓ માટે ભારતમાં જ મેઈન્ટેનન્સ સુવિધાઓ સ્થાપવી ફરજિયાત હતી, પરંતુ હવે નિકાસલક્ષી એકમોને આ કામ આઉટસોર્સ કરવાની છૂટ મળી શકે છે. એરબસ, લોકહીડ માર્ટિન અને રાફેલ જેવી વૈશ્વિક જાયન્ટ્સ પહેલેથી જ ભારતમાં રસ દાખવી રહી છે, પરંતુ સંરક્ષણ ક્ષેત્રમાં છેલ્લા 25 વર્ષમાં માત્ર $26.5 મિલિયનનું જ રોકાણ આવ્યું છે. નવા નિયમો આ આંકડાને કરોડો ડોલરમાં બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતની સંરક્ષણ ઈકોસિસ્ટમમાં નવી ઉર્જા ફૂંકશે.
લક્ષ્યાંકની વાત કરીએ તો, સરકાર વર્ષ 2029 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનને બમણું કરીને $33.25 બિલિયન સુધી લઈ જવા માંગે છે. વર્ષ 2026-27 ના બજેટમાં પણ સંરક્ષણ ભંડોળમાં 20% ના તોતિંગ વધારાની માંગ કરવામાં આવી છે, જેમાં ડ્રોન ટેકનોલોજી અને નેક્સ્ટ જનરેશન ફાઈટર જેટ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ભારતની સંરક્ષણ નિકાસ પણ વાર્ષિક 12% ના દરે વધી રહી છે, જે આશા જગાવે છે કે ભારત આવનારા સમયમાં માત્ર પોતાની જરૂરિયાત જ પૂરી નહીં કરે, પણ મિત્ર દેશોને 'મેડ ઈન ઈન્ડિયા' શસ્ત્રો પૂરા પાડીને વૈશ્વિક શક્તિ તરીકે ઉભરશે. આ પગલાથી રોજગારની નવી તકો ઉભી થશે અને આયાત પરની નિર્ભરતામાં ધરખમ ઘટાડો થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
