હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેડિકલ કોલેજની મર્યાદા લોપાઈ: KGMU ના ઇન્ટર્ન ડોક્ટર મોહમ્મદ અદીલની ધરપકડ; નર્સિંગની વિદ્યાર્થિની પર ગુજાર્યો બળાત્કાર
લગ્નની લાલચ આપી રૂમ પર બોલાવી આચર્યું શારીરિક શોષણ; આપત્તિજનક ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કરતો હતો બ્લેકમેલ, પોલીસની ટીમે બાતમીદારોની મદદથી આરોપીને દબોચ્યો

લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવેલી કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) ના એક ઇન્ટર્ન ડોક્ટરે માનવતા અને સફેદ કોટની ગરિમાને કલંકિત કરી છે. લખનૌ પોલીસે નર્સિંગની વિદ્યાર્થિની સાથે જાતીય શોષણ અને તેને બ્લેકમેલ કરવાના ગંભીર આરોપમાં મોહમ્મદ અદીલ નામના ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપી ડોક્ટર લાંબા સમયથી વિદ્યાર્થિનીને પોતાની જાળમાં ફસાવીને તેનું શોષણ કરી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી મોહમ્મદ અદીલે પીડિત નર્સિંગ વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. તે અવારનવાર વિદ્યાર્થિનીને પોતાના રૂમ પર બોલાવતો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન આરોપીએ વિદ્યાર્થિનીના કેટલાક આપત્તિજનક ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા. જ્યારે વિદ્યાર્થિનીએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે અદીલે તેને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
વારંવારની ધમકીઓ અને શોષણથી કંટાળીને અંતે પીડિતાએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ દાખલ થતાની સાથે જ આરોપી ડોક્ટર ફરાર થઈ ગયો હતો. લખનૌ પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. શુક્રવારે બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે, પોલીસે રેડક્રોસ હોસ્પિટલ પાસે વોચ ગોઠવીને મોહમ્મદ અદીલને દબોચી લીધો હતો. હાલ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
KGMU જેવી નામાંકિત સંસ્થામાં એક ઇન્ટર્ન ડોક્ટર દ્વારા આ પ્રકારના ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપવામાં આવતા મેડિકલ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીઓ અને ડોક્ટરોમાં આ બાબતે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ ડોક્ટરે અગાઉ અન્ય કોઈ વિદ્યાર્થિનીઓ સાથે પણ આવી છેતરપિંડી કરી છે કે કેમ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
