<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

લંડનની શેરીઓમાં ફરે છે નરભક્ષી વરુઓ: હાઉન્સલોમાં ૧૪ વર્ષની શીખ બાળકી પર અત્યાચાર, પોલીસની નિષ્ફળતા બાદ ૨૦૦ શીખોએ મોરચો સંભાળીને છોડાવી

બ્રિટનમાં ‘ગ્રૂમિંગ ગેંગ્સ’નો આતંક: પાકિસ્તાની મૂળના નરાધમો સગીરાઓને ડ્રગ્સ અને પૈસાની લાલચ આપી બનાવે છે શિકાર; રોધરહામ બાદ હવે લંડનમાં વધતા ગુનાખોરીના ગ્રાફે જગાવી ચિંતા

લંડન: વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા શહેરોમાંના એક એવા લંડનનું નામ અત્યારે ‘ગ્રૂમિંગ ગેંગ્સ’ના આતંકને કારણે ખરડાયું છે. લંડનના હાઉન્સલો વિસ્તારમાં ૧૨ જાન્યુઆરીએ બનેલી એક કાળજું કંપાવનારી ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અહીં ૧૪ વર્ષની એક માસૂમ શીખ છોકરીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાએ બ્રિટિશ પોલીસની કાર્યક્ષમતા અને સગીરોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
પીડિત છોકરીના ગુમ થયા બાદ સ્થાનિક શીખ સમુદાયે પોલીસ પાસે મદદ માંગી હતી, પરંતુ આરોપ છે કે તંત્રએ કોઈ નક્કર કાર્યવાહી કરી નહોતી. અંતે, ન્યાય મેળવવા માટે ૨૦૦ જેટલા શીખ યુવાનોએ તે ઘરને ઘેરી લીધું જ્યાં બાળકીને બંધક બનાવવામાં આવી હતી. રોષે ભરાયેલા ટોળાનો પાવર જોઈને ગુનેગારો ફફડી ઉઠ્યા હતા અને આખરે બાળકીને મુક્ત કરવાની ફરજ પડી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે લંડનમાં હવે લોકોએ પોતાની સુરક્ષા માટે જાતે જ મેદાનમાં ઉતરવું પડી રહ્યું છે.
 ગ્રૂમિંગ ગેંગ એ એક વ્યવસ્થિત ગુનાહિત નેટવર્ક છે જે ખાસ કરીને લઘુમતી સમુદાયની નાની છોકરીઓને નિશાન બનાવે છે. આ ગેંગના સભ્યો માસૂમ બાળકીઓને મિત્રતા, મોંઘી ભેટ, દારૂ કે ડ્રગ્સની લાલચ આપીને પોતાના જાળમાં ફસાવે છે અને ત્યારબાદ તેમનું શારીરિક શોષણ કરે છે. ‘ધ વીક’ના રિપોર્ટ મુજબ, રોધરહામ જેવા વિસ્તારોમાં અગાઉ ૧,૪૦૦ જેટલા બાળકો આ ગેંગનો શિકાર બની ચૂક્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, મોટાભાગના કિસ્સાઓમાં પકડાયેલા આરોપીઓ પાકિસ્તાની મૂળના હોવાનું સામે આવ્યું છે.
બ્રિટનમાં પાકિસ્તાની મૂળના લોકોની વસ્તી ઝડપથી વધી રહી છે (૨૦૨૧ની ગણતરી મુજબ આશરે ૧૫.૮૮ લાખ). વસ્તીની સાથે તેમનો રાજકીય પ્રભાવ અને વોટબેંકની શક્તિ પણ વધી છે. વિશ્લેષકોનું માનવું છે કે અનેક કિસ્સાઓમાં રાજકીય દબાણ અથવા ‘સમુદાય સંવાદિતા’ બગડવાના ડરથી પોલીસ આવી ગેંગ વિરુદ્ધ કડક પગલાં લેતા અચકાય છે. સાંસદ એન ક્રાયરે વર્ષો પહેલા આ અંગે ચેતવણી આપી હતી, જે આજે સાચી ઠરતી જણાય છે. લંડનની ગલીઓમાં ફરતા આ વરુઓ સામે હવે બ્રિટિશ સરકારે કડક હાથે કામ લેવું પડશે, નહીં તો જનતાનો આક્રોશ કાબૂ બહાર જઈ શકે છે.


 

(8:56 PM IST)