<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

રિલાયન્સની 'રોકેટ' ગતિ: આવકમાં 10% નો ઉછાળો અને ₹22,290 કરોડનો અધધ નફો; જિયો અને રિટેલ સેક્ટરે જમાવી ધાક

દેશની સૌથી મૂલ્યવાન કંપની RIL ના Q3 પરિણામો જાહેર; જિયોના ગ્રાહકોની સંખ્યા 51 કરોડને પાર, ઓઇલ-ટુ-કેમિકલ બિઝનેસમાં પણ જોવા મળી મજબૂત રિકવરી

મુંબઈ: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ શુક્રવારે બજાર બંધ થયા બાદ નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ત્રિમાસિક ગાળા (Q3) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ભારતીય અર્થતંત્રનું એન્જિન છે. કંપનીની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 10% વધીને ₹2.93 લાખ કરોડ પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં ₹2.67 લાખ કરોડ હતી.
 રિલાયન્સની આ તેજ રફ્તાર પાછળ તેના ડિજિટલ સર્વિસિસ (Jio) અને રિટેલ સેગમેન્ટનો મોટો હાથ છે. આ ત્રિમાસિક ગાળામાં રિલાયન્સનો કુલ એકીકૃત નફો ₹22,290 કરોડ નોંધાયો છે. જિયો પ્લેટફોર્મ્સના નફામાં 11.3% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે રિલાયન્સ રિટેલના નફામાં પણ 2.1% નો વૃદ્ધિ દર નોંધાયો છે. કંપનીના માલિકોને આભારી ચોખ્ખો નફો ત્રિમાસિક ધોરણે ₹18,165 કરોડથી વધીને ₹18,645 કરોડ થયો છે.
 જિયોના 51 કરોડ સભ્યો: ડિજિટલ ક્રાંતિમાં જિયો હજુ પણ અજેય છે. આ ક્વાર્ટર દરમિયાન જિયોના ગ્રાહકોની સંખ્યામાં 8.9 મિલિયનનો વધારો થયો છે, જેની સાથે જિયોના કુલ સબ્સ્ક્રાઇબર્સ હવે 51.5 કરોડથી વધુ થઈ ગયા છે. જિયોના EBITDA માં 16% થી વધુનો વધારો થયો છે, જે કંપનીની મજબૂત ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવે છે. બીજી તરફ રિટેલ સેક્ટરમાં રિલાયન્સે આ ત્રણ મહિનામાં 431 નવા સ્ટોર્સ ખોલ્યા છે, જેનાથી દેશભરમાં તેમના કુલ સ્ટોર્સની સંખ્યા હવે લગભગ 20,000 ની નજીક પહોંચી ગઈ છે.
રિલાયન્સનો મુખ્ય ગણાતો ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસ પણ પાછળ રહ્યો નથી. આ સેગમેન્ટની આવક 8.4% વધીને ₹1.62 લાખ કરોડથી વધુ થઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે O2C સેગમેન્ટનો EBITDA 15% વધીને ₹16,507 કરોડ થયો છે. નિષ્ણાતોના મતે, રિલાયન્સના વિવિધ પોર્ટફોલિયોને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા છતાં કંપનીએ સ્ટેબલ ગ્રોથ જાળવી રાખ્યો છે.

(8:58 PM IST)