<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

બજેટ 2026: રવિવાર હોવા છતાં ધમધમશે શેરબજાર! NSE-BSE એ રોકાણકારો માટે કરી મોટી જાહેરાત

1 ફેબ્રુઆરીએ રજાના દિવસે પણ ખુલશે માર્કેટ; બજેટની જાહેરાતો પર ત્વરિત રિએક્શન આપવા એક્સચેન્જો તૈયાર, જાણો ટ્રેડિંગના સમયમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં?

મુંબઈ: ભારતીય શેરબજારના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના આ વર્ષે આકાર લેવા જઈ રહી છે. વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, જે દિવસે રવિવારની સાપ્તાહિક રજા છે. જોકે, શેરબજાર પર બજેટની સીધી અને મોટી અસર થતી હોવાથી, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ જાહેરાત કરી છે કે આ રવિવારે પણ શેરબજાર રાબેતા મુજબ ખુલ્લું રહેશે.
 NSE દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ બજાર કોઈ પણ ખાસ સત્રને બદલે સંપૂર્ણ કામકાજના દિવસની જેમ કાર્યરત રહેશે. ટ્રેડિંગનો સમય હંમેશની જેમ સવારે 9:00 વાગ્યે પ્રી-ઓપન સેશનથી શરૂ થશે અને બપોરે 3:30 વાગ્યા સુધી ચાલશે. રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી તેઓ બજેટની જાહેરાતો પર રિયલ-ટાઇમ ટ્રેડિંગ કરી શકે.
 અગાઉ એવી અટકળો હતી કે રવિવાર હોવાથી સરકાર બજેટની તારીખ બદલીને 2 ફેબ્રુઆરી કરી શકે છે. પરંતુ સરકારે પરંપરા જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2017થી બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવાની પ્રથા શરૂ થઈ હતી જેથી 1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ પહેલા તમામ જોગવાઈઓ અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે પૂરતો સમય મળી રહે. બ્રિટિશ કાળમાં બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે સાંજે 5 વાગ્યે રજૂ થતું હતું, જેને હવે બદલીને સવારે 11 વાગ્યે કરી દેવામાં આવ્યું છે.
શેરબજારમાં મોટા પાયે ટ્રેડિંગ કરતા નિવેશકો લાંબા સમયથી એવી માંગ કરી રહ્યા હતા કે બજેટ જેવી મહત્વની ઈવેન્ટના દિવસે બજાર બંધ ન રહેવું જોઈએ. રવિવારે બજાર ચાલુ રહેવાથી વોલેટિલિટી વધવાની શક્યતા છે, પરંતુ તેનાથી માર્કેટમાં પારદર્શિતા જળવાઈ રહેશે અને સોમવારે બજાર ખુલતાની સાથે જ આવનારા મોટા 'ગેપ-અપ' કે 'ગેપ-ડાઉન' ઓપનિંગના જોખમથી બચી શકાશે.

(8:59 PM IST)