હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"કલમ 32 નો તમાશો ન બનાવો": સુપ્રીમ કોર્ટે અરજદારોને ખખડાવ્યા, બંધારણીય અધિકારોના દુરુપયોગ બદલ વ્યક્ત કરી ભારે નારાજગી
હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં સીધા સુપ્રીમ કોર્ટમાં દોડી આવતા લોકો સામે બેન્ચ લાલઘૂમ; કહ્યું- "દરેક નાની વાતમાં સર્વોચ્ચ અદાલતમાં આવવું એ કાયદાકીય પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ છે"

નવી દિલ્હી : ભારતના બંધારણે નાગરિકોને આપેલા સૌથી પવિત્ર અધિકાર એટલે કે 'કલમ 32' (બંધારણીય ઉપાયોનો અધિકાર) ના થઈ રહેલા અંધાધૂંધ ઉપયોગ સામે આજે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે શુક્રવારે એક કેસની સુનાવણી દરમિયાન અરજદારોને ફટકાર લગાવતા કહ્યું હતું કે, હવે દરેક નાની વાત માટે અથવા માત્ર મુલતવી રાખવા જેવી પ્રક્રિયાઓ માટે પણ લોકો સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રહ્યા છે, જે ચિંતાજનક છે.
હાઈકોર્ટની અવગણના કેમ?
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવા છતાં એક અરજદાર સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. બેન્ચે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે હાઈકોર્ટમાં પ્રક્રિયા ચાલુ છે, ત્યારે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવવાનો શું અર્થ છે? અદાલતે નોંધ્યું કે કલમ 32 હેઠળ દાખલ થતા કેસોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, જે ન્યાયતંત્ર પરનું ભારણ બિનજરૂરી રીતે વધારી રહ્યું છે.
દિલ્હીની આસપાસના લોકો પર કટાક્ષ
ખંડપીઠે તીખી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, "ખાસ કરીને દિલ્હીની આસપાસના લોકો માટે કલમ 32 એક રમત બની ગઈ હોય તેવું લાગે છે. આ અધિકાર મૂળભૂત અધિકારોના રક્ષણ માટે છે, નહીં કે સામાન્ય વહીવટી પ્રક્રિયાઓ સામે અપીલ કરવા માટે." બેન્ચે આ પ્રકારની પ્રવૃત્તિને કોર્ટ અને કાયદાની પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ ગણાવીને અરજીને ફગાવી દીધી હતી.
શું છે કલમ 32 નું મહત્વ?
ઉલ્લેખનીય છે કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે કલમ 32 ને 'બંધારણનો આત્મા અને હૃદય' ગણાવ્યું હતું. આ કલમ હેઠળ નાગરિકો પોતાના મૂળભૂત અધિકારોનું હનન થાય ત્યારે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટની આજની ટિપ્પણી સ્પષ્ટ કરે છે કે આ સર્વોચ્ચ સત્તાનો ઉપયોગ ગંભીર બાબતોમાં જ થવો જોઈએ, નહીં કે હાઈકોર્ટની અવગણના કરવા માટે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
