<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

હિમાચલના સફરજનને બચાવવા CM સુખુનું 'મિશન દિલ્હી': વિદેશી સફરજન પર ૧૦૦% આયાત શુલ્ક લાદવા કેન્દ્ર સરકારને કરી જોરદાર રજૂઆત

ન્યુઝીલેન્ડના સફરજન સામે દેશી ખેડૂતોને રક્ષણ આપવા નિર્મલા સીતારમણ સમક્ષ માંગ; રાજ્યના ૨.૫ લાખ પરિવારોની આજીવિકા જોખમમાં હોવાની આપી ચેતવણી

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ રાજ્યની કરોડરજ્જુ સમાન સફરજનની ખેતીને બચાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ મોટું અભિયાન છેડ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીએ વિદેશી સફરજન પરની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ૧૦૦% આયાત શુલ્ક (Import Duty) લાદવાની ભારપૂર્વક માંગ કરી છે.
૪,૫૦૦ કરોડનું અર્થતંત્ર જોખમમાં
હિમાચલ પ્રદેશમાં સફરજનનું ઉત્પાદન વાર્ષિક આશરે ૪,૫૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે, જે રાજ્યના કુલ ફળ ઉત્પાદનના ૮૦ ટકા હિસ્સો છે. મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી કે છેલ્લા ૧૦ વર્ષમાં વિદેશી સફરજનની આયાતમાં અઢી ગણો વધારો થયો છે. ખાસ કરીને ન્યુઝીલેન્ડ સાથેના મુક્ત વેપાર કરારને કારણે ત્યાંથી આવતા સફરજન પર ડ્યુટીમાં ૨૫% ની છૂટ મળે છે, જેના કારણે જ્યારે હિમાચલના ખેડૂતો પોતાના કોલ્ડ સ્ટોરેજમાંથી સફરજન બજારમાં લાવે છે, ત્યારે તેમને પૂરતા ભાવ મળતા નથી.
પહાડી રાજ્યો માટે ૫૦,૦૦૦ કરોડના 'ગ્રીન ફંડ'ની માંગ
બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ માત્ર સફરજન જ નહીં, પરંતુ હિમાચલના પર્યાવરણ અને વિકાસ માટે પણ મહત્વની માંગણીઓ કરી હતી. તેમણે પહાડી રાજ્યો માટે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના અલગ 'ગ્રીન ફંડ' ની જોગવાઈ કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત, કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવા માટે 'ડિઝાસ્ટર રિસ્ક ઈન્ડેક્સ' ના નિયમોમાં ફેરફાર કરી હિમાચલને વિશેષ દરજ્જો આપવાની રજૂઆત કરી હતી.
જે.પી. નડ્ડા સાથે પણ મુલાકાત
મુખ્યમંત્રી સુખુએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે આયુષ્માન ભારત યોજના અને રાજ્યના આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે કેન્દ્રનો સહયોગ માંગ્યો હતો. નડ્ડાએ હિમાચલના વિકાસ માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી બજેટમાં કેન્દ્ર સરકાર હિમાચલના સફરજન ઉત્પાદકોને આયાત શુલ્કમાં વધારો કરીને કેટલી રાહત આપે છે.

(9:54 PM IST)