હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બ્રિટિશ સંસદમાં ગુંજ્યો બાંગ્લાદેશી હિન્દુઓનો પોકાર: સાંસદ બોબ બ્લેકમેને લઘુમતીઓની હત્યા અને મંદિરો પરના હુમલા અંગે ઉઠાવ્યો સવાલ
૧૨ ફેબ્રુઆરીની ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં લોકશાહીનું ચીરહરણ? અવામી લીગ પર પ્રતિબંધ અને ઇસ્લામિક ઉગ્રવાદીઓના વધતા પ્રભાવ સામે યુકેના સાંસદોએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

લંડન : બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ ફાટી નીકળેલી હિંસાના પડઘા હવે યુનાઇટેડ કિંગડમની સંસદ સુધી પહોંચ્યા છે. યુકે કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ બોબ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને 'વિનાશક' ગણાવીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશની શેરીઓમાં નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે અને તેમના ઘરો તેમજ પવિત્ર મંદિરોને નિશાન બનાવી આગ ચાંપવામાં આવી રહી છે.
ચૂંટણી પૂર્વે લોકશાહી પર સંકટ
બોબ બ્લેકમેને ધ્યાન દોર્યું હતું કે બાંગ્લાદેશમાં આગામી ૧૨ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, પરંતુ તે પહેલાં જ દેશમાં અરાજકતાનો માહોલ છે. મુખ્ય રાજકીય પક્ષ 'અવામી લીગ' પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા બંધારણીય ફેરફારોની માંગણી કરવામાં આવી રહી છે. તેમણે યુકેના વિદેશ સચિવને અપીલ કરી છે કે તેઓ લઘુમતીઓના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ બનાવે.
વચગાળાની સરકારની આકરી ટીકા
માત્ર બોબ બ્લેકમેન જ નહીં, પરંતુ યુકેના અન્ય ચાર સાંસદોએ પણ મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારની આકરી ટીકા કરી છે. તેમણે ચેતવણી આપી છે કે મુખ્ય રાજકીય પક્ષોને ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત રાખીને કરવામાં આવતું મતદાન ક્યારેય 'મુક્ત અને ન્યાયી' ગણી શકાય નહીં. વિપક્ષો પરના પ્રતિબંધોને કારણે બાંગ્લાદેશમાં લોકશાહીનું અસ્તિત્વ જોખમમાં હોવાનું બ્રિટિશ સાંસદો માની રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધ્યું
બ્રિટિશ સાંસદોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત સહિત વિશ્વના અનેક દેશો બાંગ્લાદેશમાં માનવ અધિકારોના ઉલ્લંઘન પર નજર રાખી રહ્યા છે. લઘુમતી હિન્દુઓ સુરક્ષિત રહે અને બાંગ્લાદેશમાં ફરી શાંતિ સ્થાપાય તે માટે યુકે સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગણી જોર પકડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ૧૨ ફેબ્રુઆરીની ચૂંટણી પહેલા આંતરરાષ્ટ્રીય સમુદાય બાંગ્લાદેશી વચગાળાની સરકાર પાસે લઘુમતીઓની સુરક્ષાની ખાતરી કેવી રીતે મેળવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
