બેડમિન્ટન કોર્ટ પર પક્ષીઓની ચરક અને સ્ટેન્ડમાં વાંદરા: દિલ્હી ઇન્ડિયા ઓપન ૨૦૨૬માં આયોજકોની ભારે ફજેતી, વિશ્વભરના ખેલાડીઓ લાલઘૂમ
પ્રદૂષણ અને ગંદકીને કારણે દિગ્ગજ ખેલાડીઓએ રમવાની પાડી ના પાડી; વર્ષના અંતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપના આયોજન સામે ખડા થયા મોટા સવાલ

નવી દિલ્હી : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહેલી 'ઇન્ડિયા ઓપન સુપર ૭૫૦' બેડમિન્ટન ટુર્નામેન્ટ અત્યારે ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને બદલે વહીવટી ખામીઓને કારણે હેડલાઇન્સમાં છે. જે સ્ટેડિયમમાં ૧૭ વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાવાની છે, ત્યાં અત્યારે પક્ષીઓની ચરક, વાંદરાઓનો ત્રાસ અને ઝેરી પ્રદૂષણે ખેલાડીઓની હાલત કફોડી કરી દીધી છે.
જ્યારે 'આકાશ'માંથી આફત ઉતરી!
ગુરુવારે ભારતના સ્ટાર ખેલાડી એચ.એસ. પ્રણય અને સિંગાપોરના લોહ કીન યૂ વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ હતી. મેચ ચાલુ હતી ત્યારે અચાનક છત પરથી પક્ષીઓની ચરક (Bird Droppings) સીઘી કોર્ટ પર પડી હતી. આ ઘટનાને કારણે બે વાર રમત રોકવી પડી હતી. અધિકારીઓ ઉતાવળમાં ટીશ્યુ પેપર લઈને કોર્ટ સાફ કરતા જોવા મળ્યા હતા. હાર બાદ નિરાશ થયેલા પ્રણયે પણ સ્વીકાર્યું કે આ વિક્ષેપને કારણે લય ખોરવાઈ ગઈ હતી.
સ્ટેન્ડમાં વાંદરા અને ઠંડીનો કહેર
ટુર્નામેન્ટમાં ત્યારે વધુ શરમજનક સ્થિતિ સર્જાઈ જ્યારે બુધવારે પ્રેક્ષકોની ગેલેરીમાં અચાનક એક વાંદરો દેખાયો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો વાયરલ થતા આયોજકોની સુરક્ષા વ્યવસ્થા પર માછલા ધોવાઈ રહ્યા છે. બીજી તરફ, ડેનમાર્કની ખેલાડી મિયા બ્લિચફેલ્ડ્ટે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સ્ટેડિયમમાં અસહ્ય ગંદકી છે અને હાડ થીજવતી ઠંડીમાં ખેલાડીઓને જેકેટ અને ગ્લવ્સ પહેરીને વોર્મ-અપ કરવું પડે છે, જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે શરમજનક છે.
દિલ્હીનું 'ઝેર' અને ૪ લાખનો દંડ
વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી એન્ડર્સ એન્ટોનસેને દિલ્હીના પ્રદૂષણને કારણે ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું છે. તેણે જણાવ્યું કે દિલ્હીની હવા બેડમિન્ટન રમવા માટે લાયક નથી. આ નિર્ણયને કારણે તેને BWF (બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન) તરફથી ૫,૦૦૦ ડોલર (આશરે ૪.૧૫ લાખ રૂપિયા) નો દંડ ફટકારવામાં આવ્યો છે. સિંગાપોરના લોહ કીન યૂએ પણ ફરિયાદ કરી હતી કે પ્રદૂષણને કારણે તેનો સ્ટેમિના ઘટી ગયો છે અને તેણે સતત માસ્ક પહેરીને રહેવું પડે છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલાની આ રિહર્સલ ટુર્નામેન્ટમાં થયેલી આવી ગંભીર ખામીઓએ ભારતની પ્રતિષ્ઠા પર દાગ લગાડ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય બેડમિન્ટન સંઘ (BAI) આગામી મોટી ટુર્નામેન્ટ પહેલા આ વ્યવસ્થાઓમાં કેટલો સુધારો કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
