હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતના સ્ટાર્ટઅપ જગતમાં 'મેજિક ડેકેડ': પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને ગણાવ્યું 'રેઈન્બો વિઝન', ૧૦ વર્ષમાં ૫૦૦ થી વધીને ૨ લાખથી વધુ સ્ટાર્ટઅપ્સનો રેકોર્ડ
વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું ભારત; ૧૨૫ યુનિકોર્ન સાથે દેશના યુવાનો બન્યા 'જોબ ક્રિએટર્સ', મહિલા શક્તિનો પણ ડંકો વાગ્યો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસના અવસરે નવી દિલ્હીમાં એક ભવ્ય કાર્યક્રમને સંબોધન કર્યું હતું. 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' ના સફળ દસ વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાને આ અભિયાનને માત્ર એક સરકારી યોજના નહીં, પરંતુ એક 'રેઈન્બો વિઝન' (મેઘધનુષી વિઝન) ગણાવ્યું હતું, જે દેશના વિવિધ ક્ષેત્રોને નવી તકો સાથે જોડી રહ્યું છે. તેમણે કહ્યંર કે, ભારતના યુવાનોએ આજે નવા સપના જોવાની હિંમત કરી છે અને ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની ગયું છે.
૫૦૦ થી ૨ લાખ સુધીની ઐતિહાસિક સફર
પીએમ મોદીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, એક દાયકા પહેલા દેશમાં માંડ ૫૦૦ સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે વધીને ૨ લાખથી વધુ થઈ ગયા છે. વર્ષ ૨૦૧૪ માં ભારતમાં માત્ર ૪ 'યુનિકોર્ન' (૧ અબજ ડોલરથી વધુ મૂલ્ય ધરાવતી કંપનીઓ) હતા, જ્યારે આજે આ સંખ્યા વધીને ૧૨૫ સુધી પહોંચી ગઈ છે. વડાપ્રધાને ઉમેર્યું કે, "પહેલાના સમયમાં જોખમ લેનારાઓને નિરુત્સાહિત કરવામાં આવતા હતા, પરંતુ આજે જે લોકો માસિક પગારના વિચારથી બહાર નીકળીને કંઈક નવું કરે છે, તેમનું આખો દેશ સન્માન કરે છે."
મહિલા ઉદ્યોગસાહસિકોનો દબદબો
સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મહિલાઓના વધતા ફાળાની પ્રશંસા કરતા વડાપ્રધાને નોંધ્યું હતું કે, ભારતના ૪૫ ટકા માન્ય સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર અથવા ભાગીદાર છે. મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ ફંડિંગની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. આ સમાવેશી વિકાસ દેશની નવી આર્થિક ક્ષમતાનો પુરાવો છે.
નવીનતા અને આર્થિક ક્રાંતિ
૧૬ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ શરૂ થયેલું આ મિશન આજે એક ક્રાંતિ બની ગયું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ વડાપ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ભારતના સ્ટાર્ટઅપ્સે દેશને 'નોકરી શોધનારા' માંથી 'નોકરી આપનારા' રાષ્ટ્રમાં ફેરવી દીધું છે. પીએમ મોદીએ આ દરમિયાન પ્રદર્શન ક્ષેત્રની મુલાકાત લઈ યુવા સંશોધકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના નવા વિચારોને પ્રોત્સાહન આપ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
