કોલકાતામાં ફર્નિચરના ગોડાઉનમાં ભભૂકી ભીષણ આગ: આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા મચી ગઈ અફરાતફરી
સપ્તાહમાં આગની આ બીજી મોટી ઘટનાથી લોકોમાં ફફડાટ; ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ, લાખોનું ફર્નિચર બળીને ખાખ

કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે ફરી એકવાર આગની ઘટનાએ તંત્રને દોડતું કરી દીધું છે. શુક્રવારે બપોરે એક ફર્નિચરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં રહેલા લાકડા અને પોલિશના કેમિકલને કારણે આગે પલવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં કાળો ડિબાંગ ધુમાડો છવાઈ ગયો હતો.
ઘટનાસ્થળે ભારે અરાજકતા
આગ લાગતાની સાથે જ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયર ફાઈટરો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગોડાઉન ગીચ વિસ્તારમાં હોવાને કારણે આગ અન્ય રહેણાંક મકાનોમાં ન ફેલાય તે માટે ફાયર ઓફિસરોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.
શહેરમાં આગનો સિલસિલો
ચિંતાની વાત એ છે કે કોલકાતામાં આ અઠવાડિયામાં આગની આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા ગત બુધવારે ગાંગુલી સ્ટ્રીટ પર આવી જ રીતે આગ લાગી હતી, જેમાં ત્રણ મોટી દુકાનો અને નજીકના રહેણાંક મકાનોને ભારે નુકસાન થયું હતું. બુધવારની એ ઘટનામાં ૧૦ ફાયર એન્જિનોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
તપાસના આદેશ
આજના આ બનાવમાં પણ મોટું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે. દક્ષિણ કોલકાતાના ફાયર ઓફિસર સુદિપ્તો બીના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે છે, જેની તપાસ માટે ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવશે. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
