વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર 'અલ ફલાહ ગ્રુપ' પર ED ની મોટી તવાઈ: ચેરમેન જવાદ સિદ્દીકી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ
NAAC ની નકલી માન્યતા બતાવી કરોડોની ફી વસૂલી; ટ્રસ્ટના નામે ઉઘરાવેલા નાણાં પરિવારની કંપનીઓમાં ડાયવર્ટ કર્યા, મની લોન્ડરિંગના પુરાવા મળતા જેલના સળિયા પાછળ જવાનો વારો

નવી દિલ્હી : શૈક્ષણિક સંસ્થાઓના નામે ચાલતા મોટા આર્થિક કૌભાંડનો પર્દાફાશ કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકી અને 'અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ' વિરુદ્ધ દિલ્હીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપીઓ પર આરોપ છે કે તેમણે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) ની નકલી માન્યતા બતાવીને હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતર્યા છે.
કેવી રીતે આચરાયું કૌભાંડ?
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી બે FIR બાદ ED એ આ કેસમાં એન્ટ્રી કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, યુનિવર્સિટીની NAAC માન્યતાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, જવાદ સિદ્દીકીએ ખોટા દસ્તાવેજો બનાવીને યુનિવર્સિટી પાસે હજુ પણ ઉચ્ચ ગ્રેડની માન્યતા હોવાનો પ્રચાર કર્યો હતો. આ ખોટી જાહેરાતોને આધારે સેંકડો વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો અને કરોડો રૂપિયાની ફી ભરી હતી. ED ના મતે, આ રીતે મેળવેલી ફીની રકમ કાયદાની દ્રષ્ટિએ 'ગુનાની આવક' (Proceeds of Crime) ગણાય છે.
પરિવારના સભ્યોને નાણાં ટ્રાન્સફર કર્યા
ED ની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ટ્રસ્ટમાં આવેલી વિદ્યાર્થીઓની ફીના નાણાં શિક્ષણ પાછળ વાપરવાને બદલે સિદ્દીકીએ પોતાના પરિવાર સાથે જોડાયેલી ખાનગી સંસ્થાઓમાં ડાયવર્ટ કર્યા હતા. નાણાંના ટ્રેલને છુપાવવા માટે અનેક સ્તરો પર ટ્રાન્ઝેક્શન (Layering) કરવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન મળી આવેલા ડિજિટલ ઉપકરણો અને નાણાકીય દસ્તાવેજોએ આ કાળા કારોબારની પોલ ખોલી દીધી છે.
કોર્ટનું કડક વલણ
કોર્ટે અગાઉ સિદ્દીકીના કસ્ટોડિયલ રિમાન્ડ મંજૂર કરતા નોંધ્યું હતું કે, આ એક ગંભીર નાણાકીય ગુનો છે. સાક્ષીઓને પ્રભાવિત કરવાના અને પુરાવા સાથે છેડાં કરવાના જોખમને ધ્યાનમાં રાખીને પૂછપરછ અનિવાર્ય હતી. ED એ અત્યાર સુધીમાં આ કેસમાં સંકળાયેલી અનેક મિલકતો પણ અસ્થાયી રૂપે જપ્ત કરી લીધી છે. આ ચાર્જશીટ દાખલ થવાથી હવે આરોપીઓ માટે કાનૂની ગાળિયો વધુ કસાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
