<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

બેંકિંગ એસ્પિરેન્ટ્સ તૈયાર થઈ જાવ! IBPS એ વર્ષ 2026-27નું પરીક્ષા કેલેન્ડર કર્યું જાહેર; PO, ક્લાર્ક અને RRB પરીક્ષાઓની તારીખો જાહેર

સરકારી બેંકોમાં ઓફિસર અને ક્લાર્ક બનવાની સુવર્ણ તક: નવેમ્બરથી શરૂ થશે પરીક્ષાઓનો દોર, જાણો કઈ તારીખે લેવાશે પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા અને અરજી માટે શું છે નવા નિયમો

નવી દિલ્હી : બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા લાખો યુવાનો માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ વર્ષ 2026-27 માટેનું વાર્ષિક પરીક્ષા કેલેન્ડર સત્તાવાર રીતે બહાર પાડી દીધું છે. આ કેલેન્ડર મુજબ જાહેર ક્ષેત્રની બેંકોમાં પ્રોબેશનરી ઓફિસર (PO), ક્લાર્ક (CSA) અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB) ની ભરતી માટેની પરીક્ષાઓ નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 દરમિયાન યોજવામાં આવશે.
PO અને ક્લાર્ક પરીક્ષાનું શેડ્યૂલ
જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, જાહેર ક્ષેત્રની બેંકોમાં PO (પ્રોબેશનરી ઓફિસર) માટેની પ્રિલિમ પરીક્ષા 21 અને 22 નવેમ્બર, 2026 ના રોજ યોજાશે, જ્યારે તેની મુખ્ય પરીક્ષા 20 ડિસેમ્બર, 2026 ના રોજ લેવામાં આવશે. ક્લાર્ક કેડર (CSA) માટે પ્રિલિમ પરીક્ષા 6, 12 અને 13 ડિસેમ્બર, 2026 ના રોજ યોજાશે અને મુખ્ય પરીક્ષા 30 જાન્યુઆરી, 2027 ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. નોંધપાત્ર બાબત એ છે કે આ વખતે સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) માટે સીધી મુખ્ય પરીક્ષા જ લેવામાં આવશે.
ગ્રામીણ બેંકો (RRB) માટેની મહત્વની તારીખો
ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવા ઈચ્છતા ઉમેદવારો માટે RRB ઓફિસર સ્કેલ-I ની પ્રિલિમ પરીક્ષા 21 અને 22 નવેમ્બરના રોજ લેવાશે. ઓફિસર સ્કેલ-II અને III માટેની સિંગલ પરીક્ષા 20 ડિસેમ્બરે યોજાશે. જ્યારે ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક) ની પ્રિલિમ પરીક્ષા ડિસેમ્બરમાં અને મુખ્ય પરીક્ષા જાન્યુઆરી 2027 ના અંતમાં લેવામાં આવશે.
નોંધણી પ્રક્રિયામાં મોટો ફેરફાર: 'લાઈવ ફોટો' અનિવાર્ય
આ વખતે IBPS એ અરજી પ્રક્રિયામાં સુરક્ષાના ભાગરૂપે મહત્વનો ફેરફાર કર્યો છે. ઉમેદવારોએ હવે ફોર્મ ભરતી વખતે જૂનો ફોટો અપલોડ કરવાને બદલે વેબકેમ કે મોબાઈલ દ્વારા 'લાઈવ ફોટો' કેપ્ચર કરવો પડશે. આ ઉપરાંત દસ્તાવેજોના કદ (Size) અંગે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. ફોટો અને અંગૂઠાની છાપ માટે 20-50 KB અને સહી માટે 10-20 KB ની મર્યાદા રાખવામાં આવી છે.
ઉમેદવારોને વિનંતી છે કે તેઓ સત્તાવાર માહિતી અને વિગતવાર જાહેરાત માટે IBPS ની વેબસાઈટ ibps.in પર નિયમિત નજર રાખે. આ કેલેન્ડર કામચલાઉ હોવાથી ભવિષ્યમાં સંજોગો મુજબ તારીખોમાં ફેરફાર થઈ શકે છે.

(10:10 PM IST)