હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતનો એપલ પર 'મહા-પ્રહાર': ₹3 લાખ કરોડનો દંડ તોળાઈ રહ્યો છે : CCI એ આપી છેલ્લી વોર્નિંગ!
iPhone બનાવતી કંપની અને ભારત સરકાર વચ્ચે આરપારની જંગ: એપ સ્ટોર પર ઇજારાશાહી ભોગવવી એપલને ભારે પડશે?: ગ્લોબલ ટર્નઓવર પર દંડની તલવાર લટકતા સિલિકોન વેલીમાં ફફડાટ

નવી દિલ્હી: દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની એપલ અત્યારે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ એપલને 'અલ્ટીમેટમ' આપતા સ્પષ્ટ કર્યું છે કે જો આવતા અઠવાડિયા સુધીમાં તપાસ અહેવાલનો જવાબ નહીં મળે, તો કંપનીના પક્ષ સાંભળ્યા વગર જ એકપક્ષીય કાર્યવાહી કરવામાં આવશે. આ વિવાદ એપલના iOS એપ સ્ટોરની નીતિઓ સાથે જોડાયેલો છે, જેમાં આરોપ છે કે એપલ પોતાના વર્ચસ્વનો ઉપયોગ કરીને ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સને પાયમાલ કરી રહી છે. જો CCI કડક વલણ અપનાવે અને વૈશ્વિક ટર્નઓવરના આધારે દંડ લાદે, તો એપલને ₹3 લાખ કરોડથી વધુનો આંચકો લાગી શકે છે, જે ભારતીય કોર્પોરેટ ઇતિહાસનો સૌથી મોટો દંડ હશે.
આ કાનૂની લડાઈના મૂળમાં એપલનું 'કમિશન મોડેલ' છે. ભારતીય ડેવલપર્સનો આરોપ છે કે એપલ તેના પ્લેટફોર્મ પર વેચાતી એપ્સ અને સર્વિસિસ પર 15 થી 30 ટકા જેવું તોતિંગ કમિશન વસૂલે છે અને અન્ય કોઈ પેમેન્ટ ગેટવે વાપરવાની મંજૂરી આપતું નથી. CCI ની તપાસમાં બહાર આવ્યું છે કે એપલ આ રીતે માર્કેટમાં 'ડિજિટલ મોનોપોલી' ચલાવે છે, જે નાના વેપારીઓ અને ગ્રાહકો બંને માટે નુકસાનકારક છે. એપલ આ કેસને લંબાવવા માટે વારંવાર કોર્ટમાં મુદતો માંગી રહ્યું છે, પરંતુ હવે CCI એ સ્પષ્ટ કરી દીધું છે કે 'તારીખ પે તારીખ' નો ખેલ હવે ખતમ થયો છે. 27 જાન્યુઆરી, 2026 ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં થનારી સુનાવણી એપલનું ભવિષ્ય નક્કી કરશે.
ભારત સરકારનું આ કડક વલણ માત્ર એપલ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ગૂગલ અને મેટા જેવી તમામ મોટી ટેક કંપનીઓ માટે એક મજબૂત સંદેશ છે કે ભારતીય બજારમાં રહેવું હોય તો અહીંના નિયમોનું પાલન કરવું જ પડશે. એપલ દલીલ કરી રહ્યું છે કે દંડ માત્ર ભારતમાં થતી આવક પર જ હોવો જોઈએ, પરંતુ CCI વૈશ્વિક આવકને આધાર બનાવી રહ્યું છે જેથી કંપની ફરી આવું કરવાની હિંમત ન કરે. જો આગામી દિવસોમાં એપલ નમતું નહીં જોખે, તો આ કેસ વૈશ્વિક સ્તરે ટેક ઉદ્યોગ માટે એક મોટો દાખલો બેસાડશે. હવે આખા વિશ્વની નજર ભારતની આ 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક' પર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
