<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

અટલજીની 46 વર્ષ જૂની ભવિષ્યવાણી મુંબઈના દરિયાકાંઠે સાચી પડી: BMC પર 'કેસરીયો' : ઠાકરે-પવારના ગઢ ધ્વસ્ત

અંધકાર દૂર થયો, સૂરજ ઉગ્યો અને મહારાષ્ટ્રના નગર નિગમોમાં 'કમળ' ખીલ્યું: 29 માંથી 25 મહાનગરપાલિકાઓ પર ભાજપ ગઠબંધનનો કબજો : એશિયાની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે દાયકા બાદ પલટાઈ સત્તાની બાજી

મુંબઈ:  સાલ 1980માં મુંબઈના અરબી સમુદ્રના કિનારે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સિંહગર્જના કરી હતી કે, "અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા." આજે 46 વર્ષ બાદ મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ આ શબ્દોને અક્ષરશઃ સાચા સાબિત કર્યા છે. મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં આ એક ભૂકંપ સમાન ઘટના છે, જ્યાં ભાજપ ગઠબંધને રાજ્યની 29 માંથી 25 મહાનગરપાલિકાઓમાં ભવ્ય વિજય મેળવીને વિરોધપક્ષોના સૂપડા સાફ કરી નાખ્યા છે. ખાસ કરીને એશિયાની સૌથી ધનિક ગણાતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં ઠાકરે પરિવારના દાયકાઓ જૂના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે, જે ભાજપ માટે માત્ર એક જીત નહીં પણ વૈચારિક વિજય સમાન છે.

આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકીય પરિવારોના ગઢ એકપછી એક કકડભૂસ થઈને તૂટી પડ્યા. મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું પુનઃમિલન પણ ભાજપની રણનીતિ સામે નિષ્ફળ રહ્યું. તો બીજી તરફ, પશ્ચિમ મહારાષ્ટ્રના શક્તિશાળી પવાર પરિવાર (શરદ પવાર અને અજિત પવાર) ના એક થવા છતાં પુણે અને પિંપરી-ચિંચવડમાં 'કમળ' તેજીથી ખીલ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જીતને 'રેકોર્ડબ્રેક જનાદેશ' ગણાવતા કહ્યું કે જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદ પર મહોર મારી છે. નાગપુરથી નાસિક અને સોલાપુર સુધી, ભાજપે જે રીતે પ્રાદેશિક પક્ષોના વર્ચસ્વને તોડીને પંચાયતથી સંસદ સુધી પોતાની પકડ મજબૂત કરી છે, તે ભારતીય રાજનીતિમાં એક નવા યુગનો પ્રારંભ સૂચવે છે.

2024ની લોકસભા ચૂંટણીના ઝટકા બાદ ભાજપે જે રીતે 'માઈક્રો-લેવલ' પર પોતાની રણનીતિ બદલી, તેનું આ મીઠું ફળ છે. પક્ષે મરાઠી અસ્મિતાના નામે થતા રાજકારણ સામે 'વિકાસ અને મહિલા સુરક્ષા'નો 29 મુદ્દાનો એજન્ડા મૂક્યો, જે જનતાના ગળે ઉતરી ગયો. આ જીતનો જશ્ન માત્ર મુંબઈ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની માનસિક અસર પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોની આગામી ચૂંટણીઓ પર પણ જોવા મળશે. હિન્દુત્વ અને આધુનિક માળખાગત સુવિધાઓના સમન્વય સાથે ભાજપે મહારાષ્ટ્રના શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં એવી લહેર ઉભી કરી છે કે હવે વિરોધપક્ષો માટે ગઠબંધન કરીને પણ ભાજપને રોકવું એ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.

(10:43 PM IST)