અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા: ટ્રમ્પની ચીમકી બાદ અમેરિકાનું અતિ શક્તિશાળી યુદ્ધજહાજ ‘યુએસએસ અબ્રાહમ લિંકન’ મધ્ય પૂર્વ તરફ રવાના
ઈરાને પણ વળતી ધમકી આપી છે કે જો તેના પર હુમલો થશે તો તે કતાર અને સાઉદી અરેબિયા સ્થિત અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવશે.

ન્યૂયોર્ક: ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પેન્ટાગોને પોતાના શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર ‘યુએસએસ અબ્રાહમ લિંકન’ને તાત્કાલિક અસરથી મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) તરફ આગળ વધવાનો આદેશ આપ્યો છે.
આ સમાચાર આવતાની સાથે જ ઈરાને પણ વળતી ધમકી આપી છે કે જો તેના પર હુમલો થશે તો તે કતાર અને સાઉદી અરેબિયા સ્થિત અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવશે.
અમેરિકાનું યુદ્ધજહાજ મધ્ય પૂર્વ તરફ: યુદ્ધની તૈયારી કે દબાણની રણનીતિ?
અલ જઝીરા, સીએનએન, ફોક્સ ન્યૂઝ અને ડોન (પાકિસ્તાન) જેવા આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં તૈનાત પોતાના પરમાણુ શક્તિ સંચાલિત યુદ્ધજહાજ ‘યુએસએસ અબ્રાહમ લિંકન’ને મધ્ય પૂર્વ તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જહાજને ત્યાં પહોંચતા લગભગ એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. આ પગલાને ‘સેટિંગ ધ ફોર્સ’ એટલે કે સૈન્ય કાર્યવાહી માટેની પૂર્વતૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.
ઈરાનમાં સરકાર વિરોધી દેખાવો ઉગ્ર બન્યા છે, જેમાં હજારો લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓને નુકસાન પહોંચાડવામાં આવશે તો અમેરિકા ‘મજબૂત કાર્યવાહી’ કરશે. ટ્રમ્પ પ્રશાસન ઈરાનમાં શાસન પરિવર્તન અથવા દબાણ વધારવા માટે લશ્કરી વિકલ્પો પર વિચાર કરી રહ્યું હોવાના અહેવાલો છે.
પાકિસ્તાની અખબાર ‘ડોન’ અને અન્ય મીડિયા અહેવાલો મુજબ, ઈરાને અમેરિકાની આ હિલચાલ સામે આકરો મિજાજ દાખવ્યો છે. તેહરાને કતાર, સાઉદી અરેબિયા, યુએઈ અને તુર્કી જેવા દેશોને ચેતવણી આપી છે કે જો તેમની ધરતી પર આવેલા અમેરિકી સૈન્ય મથકો પરથી ઈરાન પર હુમલો થશે, તો તે દેશોએ તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ખાસ કરીને કતારના અલ-ઉદેદ એરબેઝને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.
તણાવ એટલો વધી ગયો છે કે ઈરાને સાવચેતીના ભાગરૂપે થોડા કલાકો માટે પોતાની હવાઈ સીમા (એરસ્પેસ) બંધ કરી દીધી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હતી. બીજી તરફ, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના રાજદ્વારી સંપર્કો લગભગ તૂટી ગયા છે અને અમેરિકાએ મધ્ય પૂર્વના પોતાના મથકો પરથી બિન-જરૂરી સ્ટાફને પાછા બોલાવવાની શરૂઆત કરી દીધી છે.
આ તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ઉડી હતી કે અમેરિકા પાકિસ્તાનની હવાઈ સીમાનો ઉપયોગ કરી શકે છે. જોકે, પાકિસ્તાન સરકારે આ અહેવાલોનું ખંડન કરતા જણાવ્યું હતું કે તેમની ધરતી કે આકાશનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી માટે કરવા દેવામાં આવશે નહીં.
એનડીટીવી અને અન્ય મીડિયાએ જણાવ્યું છે કે આ કેરિયર ગ્રુપમાં એક વિમાનવાહક જહાજ, પાંચ સાથીદાર જહાજો, લગભગ ૯૦ વિમાનો અને ૫૦૦૦થી વધુ સૈનિકોનો સમાવેશ થાય છે.
એક્સ પ્લેટફોર્મ પર અનેક યુઝર્સોએ આ ઘટનાને બ્રેકિંગ ન્યૂઝ તરીકે શેર કરી છે. સેટેલાઇટ ચિત્રો અને વીડિયો સાથે પોસ્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ જહાજ ઈરાનના વિરોધ પ્રદર્શનો અને તણાવ વચ્ચે અમેરિકી શક્તિનું પ્રદર્શન છે. કેટલાક વપરાશકર્તાઓએ તેને સંભવિત હુમલાની તૈયારી ગણાવી છે, જ્યારે અન્યે શાંતિની અપીલ કરી છે.
આ પગલું અમેરિકાની સૈન્ય તૈયારી દર્શાવે છે, પરંતુ ટ્રમ્પ વહીવટે હજુ સુધી યુદ્ધ માટે કોઈ જાહેરાત નથી કરી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
