ઈરાનમાં આંતરિક વિદ્રોહ કચડી નાખવા સરકારે દેશવ્યાપી ઇન્ટરનેટ બ્લેકાઉટ લંબાવી ૨૦ માર્ચ સુધી ઈન્ટરનેટ બંધ રાખવા નિર્ણય લીધો અને પાડોશી દેશ ઈરાકથી હજારો લડવૈયાઓ ઈરાન સરકારની મદદ માટે પહોંચ્યા
આ લડવૈયાઓ કાતૈબ હિઝબુલ્લાહ અને બદ્ર ઓર્ગેનાઈઝેશન જેવા સંગઠનો સાથે જોડાયેલા છે, જે ઈરાન સરકારને તેહરાન અને અન્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિરોધને દબાવવામાં મદદ કરશે.

ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કચડી નાખવા માટે સરકારે દેશવ્યાપી ઈન્ટરનેટ બ્લેકઆઉટ લંબાવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ આતંકી જૂથના ૩૦૦૦ લોકોની ધરપકડ કરી છે અને પાડોશી દેશ ઈરાકથી હજારો લડવૈયાઓ ઈરાન સરકારની મદદ માટે પહોંચ્યા છે.
ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોને ડામવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઈરાની સુરક્ષા અધિકારીઓએ તાજેતરમાં થયેલી અશાંતિમાં સામેલ આતંકી જૂથોના ૩૦૦૦ જેટલા સભ્યોની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત, વિપક્ષી મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાન સરકારે છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા નેશનલ ઈન્ટરનેટ બ્લેકઆઉટને લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે આ ઈન્ટરનેટ પ્રતિબંધ ઈરાની નવા વર્ષ એટલે કે 'નવરોઝ' સુધી ચાલુ રહી શકે છે, જે ૨૦ માર્ચના રોજ આવે છે.
સ્થિતિને કાબૂમાં લેવા માટે ઈરાન બહારની મદદ પણ લઈ રહ્યું હોવાના અહેવાલો છે. સીએનએન અને યુરોપિયન મિલિટરી સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા થોડા અઠવાડિયામાં ઈરાકમાંથી ઈરાન સમર્થિત પેરામિલિટરી જૂથોના આશરે ૫૦૦૦ લડવૈયાઓ બે અલગ અલગ બોર્ડર ક્રોસિંગથી ઈરાનમાં પ્રવેશ્યા છે. જેમાં દિયાલા, માયસન અને બસરા પ્રાંતમાંથી આવેલા લડવૈયાઓનો સમાવેશ થાય છે. આ લડવૈયાઓ કાતૈબ હિઝબુલ્લાહ અને બદ્ર ઓર્ગેનાઈઝેશન જેવા સંગઠનો સાથે જોડાયેલા છે, જે ઈરાન સરકારને તેહરાન અને અન્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિરોધને દબાવવામાં મદદ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
