<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો 'પાવર પંચ': પાકિસ્તાનના જૂઠાણાંના પટારાને ભારતે ખુલ્લો પાડ્યો, કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર પાડોશી દેશની ફરી એકવાર ફજેતી

"પોતાનો વિભાજનકારી એજન્ડા ચલાવવા માટે પાકિસ્તાન UN પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનું બંધ કરે": ભારતીય રાજદૂત એલ્ડોસ મેથ્યુ પુનૂસે પાકિસ્તાની જૂઠાણાની હવા કાઢી નાખી

ન્યુ યોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સામસામે આવી ગયા છે. પાકિસ્તાને પોતાની જૂની આદત મુજબ કાશ્મીરનો રાગ આલાપતા ભારતે તેને સણસણતો જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાન પોતાના 'વિભાજનકારી એજન્ડા' અને સંકુચિત વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર જેવા પ્રતિષ્ઠિત મંચનો દુરુપયોગ કરી રહ્યું છે.
કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ
UN માં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર એલ્ડોસ મેથ્યુ પુનૂસે પાકિસ્તાનના પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહમદને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, "કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને રહેશે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલો ઉલ્લેખ બિનજરૂરી અને પાયાવિહોણો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાને વાસ્તવિકતાથી અલગ ચિત્ર રજૂ કરવાને બદલે જૂઠાણાનો આશરો લેવાનું બંધ કરવું જોઈએ.
સ્વ-નિર્ણયના અધિકારનો દુરુપયોગ
ભારતે પાકિસ્તાનને અરીસો બતાવતા કહ્યું કે 'સ્વ-નિર્ણયનો અધિકાર' સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનો મૂળભૂત સિદ્ધાંત છે, પરંતુ તેનો ઉપયોગ લોકશાહી દેશોમાં અલગતાવાદ ફેલાવવા માટે ન થવો જોઈએ. પાકિસ્તાન વારંવાર આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દો ઉઠાવે છે, પરંતુ દુનિયાના અન્ય દેશો હવે તેના આ એજન્ડામાં રસ લેતા નથી, જે પાકિસ્તાન માટે મોટી રાજદ્વારી નિષ્ફળતા છે.
ગ્લોબલ સાઉથ માટે ભારતનો અવાજ
પોતાના સંબોધનમાં ભારતે માત્ર પાકિસ્તાનને ફટકાર જ નથી લગાવી, પરંતુ ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) ના પડકારો પર પણ ભાર મૂક્યો હતો. ભારતે જણાવ્યું કે વિકાસશીલ દેશો આબોહવા ન્યાય અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે અને સંયુક્ત રાષ્ટ્રએ હવે આ દિશામાં નક્કર પગલાં લેવાની જરૂર છે. ભારતે UN ની અસરકારકતા અને વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે વિશ્વના સંઘર્ષો રોકવામાં આ સંગઠને વધુ મજબૂત ભૂમિકા ભજવવી પડશે.

(9:50 PM IST)