તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
ઈરાનમાં સળગતી સ્થિતિ વચ્ચે ફસાયા ૨૪ મલયાલી યુવાનો: ૧૨ મેડિકલ વિદ્યાર્થીઓ અને ૧૨ ખલાસીઓએ વતન આવવા લગાવી પોકાર
ઈન્ટરનેટ ઠપ થતા પરિવારજનોનો સંપર્ક તૂટ્યો; કેરળ સરકારની એજન્સી 'નોર્કા રૂટ્સ' એ રેસ્ક્યુ ઓપરેશન માટે વિદેશ મંત્રાલય સાથે મિલાવ્યો હાથ

તિરુવનંતપુરમ : ઈરાનમાં વર્તમાન અસ્થિરતા અને કટોકટીના વાદળો વચ્ચે કેરળના ૨૪ જેટલા નાગરિકો ફસાયા હોવાની પુષ્ટિ થઈ છે. આ યુવાનોએ વતન પરત ફરવા માટે કેરળ સરકારની નોન-રેસિડેન્ટ કેરળાઈટ્સ અફેર્સ (NORKA Roots) એજન્સીનો તાત્કાલિક સંપર્ક કર્યો છે. ફસાયેલા લોકોમાં ૧૨ મેડિકલના વિદ્યાર્થીઓ અને ૧૨ ખલાસીઓનો સમાવેશ થાય છે, જેઓ અત્યારે અત્યંત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
હોસ્ટેલના રૂમમાં કેદ થયા વિદ્યાર્થીઓ
ઈરાનની કર્મન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સમાં અભ્યાસ કરતા કાસરગોડ, મલપ્પુરમ અને એર્નાકુલમના વિદ્યાર્થીઓએ સ્થળાંતર માટે વિનંતી કરી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓને તેમના હોસ્ટેલ રૂમમાં જ રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. ચિંતાની વાત એ છે કે ઈરાનમાં ઈન્ટરનેટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોવાથી વાલીઓ તેમના બાળકો સાથે વાત કરી શકતા નથી, જેના કારણે કેરળમાં રહેલા પરિવારોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
જહાજ પર ફસાયેલા ખલાસીઓ
બીજી તરફ, ૧૨ મલયાલી ખલાસીઓ પણ દરિયામાં ફસાયેલા છે. નોર્કા રૂટ્સના CEO અજિત કોલાસેરીએ જણાવ્યું હતું કે, આ ખલાસીઓ જે-તે જહાજમાં જ રોકાયેલા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ખલાસીઓ UAE અને અન્ય ગલ્ફ દેશો મારફતે ઈરાન પહોંચ્યા હતા. અધિકારીઓએ આ તમામ ફસાયેલા નાગરિકોનો ડેટા ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય (MEA) ને સોંપી દીધો છે, જેથી તેમને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય.
સરકારની તૈયારીઓ
નોર્કા રૂટ્સના અંદાજ મુજબ ઈરાનમાં હાલમાં અંદાજે ૫૦ જેટલા મલયાલી વિદ્યાર્થીઓ છે. મોટાભાગના લોકો ત્યાં ટૂંકા ગાળાના વ્યવસાયિક કામ અર્થે ગયા હતા. કેરળ સરકાર કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને ઈરાનમાં સ્થિતિ વધુ બગડે તે પહેલા આ તમામ ભારતીયોને એરલિફ્ટ કરવા માટેની યોજનાઓ પર કામ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
