<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મુંબઈ BMC ચૂંટણીમાં 'ડેડી'નો દબદબો ખતમ: અરુણ ગવલીની બંને પુત્રીઓની કારમી હાર, ભાયખલાના ગઢમાં 'ભાઈ'નું કંઈ ન ચાલ્યું

દગડી ચાલની 'ડેડીની દીકરીઓ' પર જનતાએ ન મંજૂર કરી મહોર; ગીતા અને યોગિતા ગવલી હારતા અખિલ ભારતીય સેનાના અસ્તિત્વ પર ખતરો, મુંબઈના રાજકારણમાંથી ગવલી પરિવારના પ્રભાવમાં મોટો ઘટાડો

મુંબઈ : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ૨૦૨૬ની ચૂંટણીના પરિણામોએ મુંબઈના 'ડોન' માંથી રાજકારણી બનેલા અરુણ ગવલી માટે અત્યંત કડવો સંદેશ આપ્યો છે. મુંબઈની જનતાએ આ વખતે સ્પષ્ટ કરી દીધું છે કે "અબ ભાઈ કા કુછ નહીં ચલતા." ગવલી પરિવાર માટે આ ચૂંટણી બેવડો આંચકો લઈને આવી છે, કારણ કે અરુણ ગવલીની બંને પુત્રીઓ - ગીતા ગવલી અને યોગિતા ગવલી-વાઘમારે - પોતપોતાના વોર્ડમાં પરાજિત થઈ છે.
ભાયખલા અને દગડી ચાલમાં પણ ન ચાલ્યો જાદુ
અરુણ ગવલી દ્વારા સ્થાપિત પક્ષ 'અખિલ ભારતીય સેના'ની ટિકિટ પર લડેલી બંને બહેનોએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
•    વોર્ડ ૨૧૨ (ભાયખલા): અહીં ગીતા ગવલીનો સામનો સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અમરીન શેહઝાન અબ્રાહાની સામે હતો. અબ્રાહાનીએ ૮,૮૪૮ મતો મેળવી વિજય મેળવ્યો, જ્યારે ગીતા ગવલી ૬,૮૨૩ મતો સાથે બીજા ક્રમે રહી હતી.
•    વોર્ડ ૨૦૭: પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી યોગિતા ગવલી-વાઘમારેને ભાજપના રોહિદાસ લોખંડેએ હરાવ્યા હતા. લોખંડેને ૮,૦૪૨ મત મળ્યા હતા, જ્યારે યોગિતા ગવલી ૬,૩૭૭ મતો સાથે ત્રીજા સ્થાને ફેંકાઈ ગઈ હતી.
'ડોન' નહીં પણ 'ડેડી'ની ઓળખ પણ નિષ્ફળ
ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પુત્રીઓએ ભાવનાત્મક કાર્ડ રમતા વારંવાર કહ્યું હતું કે મતદારો તેમને "ડોનની દીકરીઓ" નહીં પરંતુ "ડેડીની દીકરીઓ" તરીકે જુએ. દગડી ચાલના રહેવાસીઓ માટે અરુણ ગવલી હંમેશા 'ડેડી' રહ્યા છે, પરંતુ પરિણામો દર્શાવે છે કે આ વખતે મતદારોએ અંડરવર્લ્ડના ભૂતકાળ સાથે જોડાયેલા પરિવારને બદલે વિકાસ અને પક્ષીય રાજકારણને પ્રાધાન્ય આપ્યું છે.
એક યુગનો અંત?
૧૯૭૦ના દાયકામાં મુંબઈના અંડરવર્લ્ડમાં સક્રિય થયેલો અરુણ ગવલી એક સમયે દાઉદ ઈબ્રાહિમની ડી-કંપની સામે ટક્કર લેવા માટે જાણીતો હતો. ૨૦૦૪માં તે ધારાસભ્ય પણ બન્યો હતો. જોકે, શિવસેનાના કોર્પોરેટર કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં ૧૭ વર્ષ જેલમાં રહ્યા બાદ, સપ્ટેમ્બરમાં જામીન પર મુક્ત થયેલા ગવલી માટે આ પરિણામો તેના રાજકીય પ્રભાવના અંત સમાન છે. ૨૦૧૨માં આ પરિવારનો જે દબદબો હતો, તે ૨૦૨૬ સુધીમાં લગભગ શૂન્ય થઈ ગયો છે.

(10:09 PM IST)