<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

આકાશનો અજેય 'યોદ્ધા': 114 નવા રાફેલ જેટ માટે ડિફેન્સ બોર્ડની લીલી ઝંડી: પાકિસ્તાન-ચીનમાં ફફડાટ

ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ₹3.25 લાખ કરોડનો સંરક્ષણ સોદો: મોદી-મેક્રોન મુલાકાતમાં લાગશે અંતિમ મહોર : 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ભારતમાં જ બનશે ઘાતક ફાઇટર જેટ્સ

નવી દિલ્હી:  ભારતીય વાયુસેનાને વિશ્વની સૌથી શક્તિશાળી એરફોર્સ બનાવવાની દિશામાં મોદી સરકારે એક મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. સંરક્ષણ ખરીદી બોર્ડે (DPB) ફ્રાન્સ પાસેથી વધુ 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની દરખાસ્તને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સોદો માત્ર સરહદ પરની સુરક્ષા જ નહીં, પરંતુ ભારતના સંરક્ષણ ઇતિહાસમાં એક નવો અધ્યાય લખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે યોજાનારી હાઈ-પ્રોફાઈલ બેઠકમાં આ $36 બિલિયનના સોદા પર હસ્તાક્ષર થઈ શકે છે. આ સમાચારથી પાડોશી દેશોમાં અત્યારથી જ હલચલ મચી ગઈ છે, કારણ કે રાફેલની ગર્જના સામે ટકી શકે તેવું વિમાન હાલમાં એશિયામાં કોઈની પાસે નથી.

આ સોદાની સૌથી ખાસ બાબત તેનું 'મેક ઇન ઇન્ડિયા' જોડાણ છે. કુલ 114 જેટ્સમાંથી માત્ર 12 થી 18 વિમાનો જ ફ્રાન્સથી સીધા ઉડીને ભારત આવશે, જ્યારે બાકીના તમામ જેટ્સનું નિર્માણ ભારતીય ધરતી પર કરવામાં આવશે. શરૂઆતમાં આ વિમાનોમાં 30 ટકા સ્વદેશી સાધનો હશે, જેને ક્રમશઃ વધારીને 60 ટકા સુધી લઈ જવાની યોજના છે. આનાથી ભારતીય એરોસ્પેસ ઉદ્યોગને નવું જોમ મળશે અને હજારો કુશળ યુવાનો માટે રોજગારની તકો ઉભી થશે. ભારત આ વિમાનોને પોતાની સ્વદેશી મિસાઇલ સિસ્ટમ 'અસ્ત્ર' અને અન્ય ઘાતક શસ્ત્રોથી સજ્જ કરવા માંગે છે, જે તેને દુશ્મન માટે યમરાજ સમાન બનાવશે.

જો આ ડીલ સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) દ્વારા પસાર થઈ જશે, તો ભારત પાસે કુલ 176 રાફેલ વિમાનોનો વિશાળ કાફલો હશે. વાયુસેના પાસે પહેલેથી જ 36 રાફેલ છે અને નૌકાદળ માટે 26 ના ઓર્ડર પર કામ ચાલી રહ્યું છે. આ સોદો પૂરો થતા જ ભારતની વાયુ શક્તિમાં એવો ઉછાળો આવશે કે તે બે મોરચે (ચીન અને પાકિસ્તાન) એકસાથે યુદ્ધ લડવાની ક્ષમતા કેળવી લેશે. ભલે સોર્સ કોડ ફ્રાન્સ પાસે રહે, પરંતુ ભારતીય આકાશ હવે આ ફ્રેન્ચ બાજની પાંખો નીચે સંપૂર્ણ સુરક્ષિત રહેશે. આ ઐતિહાસિક પગલું ભારતને સાચા અર્થમાં વૈશ્વિક સંરક્ષણ શક્તિ તરીકે સ્થાપિત કરશે.

(10:41 PM IST)