તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
એલોન મસ્કની 'X' માં ફરી 'બ્લેકઆઉટ': દુનિયાભરમાં લાખો યુઝર્સ પરેશાન : સ્ક્રીન થઈ ગઈ કોરી ધાકોર!
એક અઠવાડિયામાં બીજી વખત X નું સર્વર ડાઉન થતા હજારો યુઝર્સના ફીડ્સ અટક્યા: ભારત સહિત અમેરિકા અને બ્રિટનમાં ટાઈમલાઈન લોડ થવામાં પડી મુશ્કેલી : ટેકનિકલ ખામી કે કોઈ મોટું કારણ?

નવી દિલ્હી: સોશિયલ મીડિયાના દુનિયાના બાદશાહ ગણાતા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર આજે રાત્રે અચાનક 'ગ્રહણ' લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. રાત્રે 8:26 વાગ્યાની આસપાસ અચાનક જ હજારો યુઝર્સની સ્ક્રીન ખાલી થઈ ગઈ અને ફીડ્સ લોડ થવાનું બંધ થઈ ગયું. 'ડાઉનડિટેક્ટર'ના રિપોર્ટ મુજબ, દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા ભારતીય મહાનગરોથી લઈને લંડન અને ન્યુયોર્ક સુધીના યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકો જ્યારે એપ કે વેબસાઈટ ખોલી રહ્યા છે, ત્યારે તેમને માત્ર એક ખાલી સફેદ સ્ક્રીન જોવા મળી રહી છે, જેના કારણે ડિજિટલ દુનિયામાં સન્નાટો છવાઈ ગયો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં X માં આ બીજી વખત આઉટેજ જોવા મળ્યો છે, જે એલોન મસ્કના નેતૃત્વ હેઠળના પ્લેટફોર્મની સ્થિરતા પર ગંભીર સવાલો ઉભા કરે છે. અગાઉ 13 જાન્યુઆરીએ પણ ટેકનિકલ ક્ષતિને કારણે 15 મિનિટ માટે સેવાઓ ખોરવાઈ હતી, પરંતુ આ વખતે સમસ્યા વધુ વ્યાપક હોવાનું જણાય છે. કંપની દ્વારા હજુ સુધી આ બ્લેકઆઉટ પાછળનું સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ લાખો યુઝર્સ અત્યારે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'X Down' હેશટેગ સાથે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. ટેક એક્સપર્ટ્સનું માનવું છે કે સર્વર અપડેશન અથવા ડેટા ટ્રાફિકના લોડને કારણે આવી સ્થિતિ સર્જાઈ શકે છે.
એક તરફ પ્લેટફોર્મ ડાઉન થવાની સમસ્યા છે, તો બીજી તરફ X એ તેના AI ચેટબોટ 'Grok' પર કડક નિયંત્રણો લાદ્યા છે. Grok દ્વારા અશ્લીલ અને આપત્તિજનક ડીપફેક ઈમેજ બનાવવાની ફરિયાદો બાદ, કંપનીએ હવે તમામ યુઝર્સ માટે આવા કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં, હવે ઈમેજ એડિટિંગ અને નવી ઈમેજ બનાવવાની સુવિધા માત્ર પેઇડ સબ્સ્ક્રાઇબર્સ પૂરતી મર્યાદિત કરી દેવામાં આવી છે. અત્યારે તો દુનિયાભરના યુઝર્સની નજર એ વાત પર છે કે મસ્કની ટેકનિકલ ટીમ ક્યારે આ 'બ્લેક આઉટેજ' માંથી બહાર આવીને પ્લેટફોર્મને ફરી કાર્યરત કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
