<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

૧ ફેબ્રુઆરી રવિવાર છતાં શેરબજારમાં ટ્રેડિંગ થશે

BSE અને NSE એ એક પરિપત્ર બહાર પાડયો : નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી રવિવારના રોજ કેન્‍દ્રીય બજેટ રજૂ કરશે

મુંબઈ,તા.૧૭: રવિવાર,૧ ફેબ્રુઆરીના રોજ સાપ્તાહિક રજા હોવા છતાં, ભારતીય શેરબજારમાં વેપાર થશે. BSE અને NSE એ ૧ ફેબ્રુઆરીના રોજ ઇક્‍વિટી બજારો ટ્રેડિગ માટે ખુલ્‍લા રાખવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે કેન્‍દ્રીય બજેટ રજૂ કરશે. BSE અને NSE બંનેએ અલગ પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી કે તેઓ બજેટ દિવસે લાઇવ ટ્રેડિગ સત્રો યોજશે. ટ્રેડિંગનો સમય એ જ રહેશે. આનો અર્થ એ છે કે પ્રી-ઓપન માર્કેટ સવારે ૯:૦૮ થી ૯:૦૮ સુધી ખુલ્‍લું રહેશે, જ્‍યારે સામાન્‍ય ટ્રેડિગ સવારે ૯:૧૫ થી બપોરે ૩:૩૦ વાગ્‍યા સુધી ચાલશે.

ભારતીય શેરબજાર માટે શનિવાર અને રવિવાર સાપ્તાહિક રજાઓ છે. જોકે, ખાસ સંજોગોમાં, શેરબજારનું ટ્રેડિગ શનિવાર અથવા રવિવારે થાય છે. તાજેતરના સમયમાં આ પહેલી વાર હશે કે રવિવારે દલાલ સ્‍ટ્રીટ પર ટ્રેડિગ થશે. ૨૦૦૦ પછી આ પહેલી વાર છે જ્‍યારે કેન્‍દ્રીય બજેટ રવિવારે સંસદમાં રજૂ કરવામાં આવશે. અગાઉ, ૨૦૨૫ માં, નિર્મલા સીતારમણે શનિવારે બજેટ રજૂ કર્યું હતું.

BMC ચૂંટણીઓને કારણે ૧૫ જાન્‍યુઆરીએ કોઈ ટ્રેડિગ નહોતું થયું. હવે, બજારો ૨૬ જાન્‍યુઆરી, પ્રજાસત્તાક દિવસ, ૩ માર્ચે હોળી અને ૨૬ માર્ચે રામ નવમીના રોજ કામકાજના દિવસો હોવા છતાં બંધ રહેશે. આ ઉપરાંત, ૩૧ માર્ચે મહાવીર જયંતિ, ૩ એપ્રિલે ગુડ ફ્રાઈડે, ૧૪ એપ્રિલે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિને કારણે બજારમાં કોઈ વેપાર થશે નહીં. ૧ મેના રોજ મહારાષ્ટ્ર દિવસ, ૨૮ મેના રોજ બકરી ઈદ, ૨૬ જૂને મોહરમ, ૧૪ સપ્‍ટેમ્‍બરે ગણેશ ચતુર્થી, ૨ ઓક્‍ટોબરે ગાંધી જયંતિ, ૨૦ ઓક્‍ટોબરે દશેરાને કારણે બજારો બંધ રહેશે. ૧૦ નવેમ્‍બરે દિવાળી-બલિપ્રતિપદા, ૨૪ નવેમ્‍બરે પ્રકાશ ગુરુપર્વ અને ૨૫ ડિસેમ્‍બરે નાતાલને કારણે બજારમાં કોઈ વેપાર થશે નહીં

(9:56 AM IST)