<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

રાહત ન લીધી હોય તેવા અનામત શ્રેણીના વિદ્યાર્થીને જનરલ મેરિટમાં સ્‍થાન મળે

કટ ઓફ માર્ક્‍સ કરતાં વધારે સ્‍કોર હોય તો અનામત શ્રેણીના ઉમેદવાર જનરલ બેઠક માટે લાયક ઠરી શકે

નવી દિલ્‍હી તા.૧૭: અનામત શ્રેણીના ઉમેદવારોને પણ જનરલ કેટેગરીમાં સ્‍થાન આપવા બાબતે સીમાવર્તી ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્‍યુ હતું કે, જનરલ કેટેગરીના કટઓફ માર્ક્‍સ કરતાં વધારે સ્‍કોર કરનાર ઉમેદવારને બિનઅનામત બેઠકમાં સ્‍થાન મળી શકે છે. વધુમાં કોર્ટે ઠરાવ્‍યુ હતું કે, અનામત શ્રેણીના ઉમેદવારે ઉંમરમાં રાહત કે ફીમાં રાહત જેવા લાભ ન લીધા હોય અને જનરલ શ્રેણીના ઉમેદવાર કરતા વધારે કટઓફ માર્ક્‍સ સ્‍કોર કર્યા હોય તો મેરિટના આધારે જનરલ કેટેગરીની બેઠકોમાં સ્‍થાન મળવું જોઈએ. કાનૂની સિદ્ધાંત સંદર્ભે અગાઉના સીમાવર્તી ચુકાદાનો પુનરોચ્‍ચાર કરતા જાસ્‍ટિસ એમ એમ સુંદરેશ અને સતીષ ચંદ્ર શર્માની બેન્‍ચે નોંધ્‍યું હતું કે, કાયદા દ્વારા હવે પ્રસ્‍થાપિત થઈ ચૂક્‍યું છે કે, એસસી, એસટી અને ઓબીસી જેવી અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારોએ જનરલ શ્રેણી કરતા વધારે કટ ઓફ માર્ક્‍સ મેળવા હોય તો તેઓ બિનઅનામત શ્રેણીની ખાલી જગ્‍યા પર પસંદગી માટે લાયક ઠરે છે.

કેરળ હાઈકોર્ટે વર્ષ ૨૦૨૦માં આપેલા ચુકાદાને રદ ઠેરવતા જાસ્‍ટિસ શર્માએ નોંધ્‍યું હતું કે, બિનઅનામત કેટેગરીને ક્‍વોટા જનરલ કેટેગરી માટે ક્‍વોટા કહી શકાય નહીં. આ કેટેગરીમાં માત્ર મેરિટના આધારે દરેકને સમાન તક રહેલી હોય છે. કેરળ હાઈકોર્ટે અગાઉના ચુકાદામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાને નિર્દેશ આપ્‍યા હતા અને ઊંચું મેરિટ ધરાવતા અનામત શ્રેણીના ઉમેદવારના બદલે તેના કરતાં ઓછા માર્ક્‍સ ધરાવતા જનરલ કેટેગરીના ઉમેદવારને પસંદ કરવા જણાવ્‍યું હતું. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં બંધારણની ક્‍લમ ૧૪ હેઠળ કાયદા સામે સમાનતા અને કલમ ૧૬ અન્‍વયે જાહેર રોજગારીમાં તકની સમાનતા માટે મળેલા અધિકારનો ઉલ્‍લેખ કરતાં નોંધ્‍યું હતું કે, ઊંચું મેરિટ ધરાવનાર અને ફી કે વયમર્યાદામાં કોઈ લાભ નહીં લેનાર અનામત શ્રેણીના ઉમેદવારને જનરલ શ્રેણીમાં સ્‍થાન મળે તો તેના કારણે અનામત કેટેગરીના મેટિર ક્‍વોટામાં તેના પછીના સ્‍થાને આવતા ઉમેદવારને તક મળવી જોઈએ.

 

(10:03 AM IST)