હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈમાં ફરી ‘રિસોર્ટ પોલિટિક્સ’ની એન્ટ્રી : BMCમાં બહુમતી છતાં શિંદે સેનાએ કોર્પોરેટરોને પંચતારક હોટલમાં ખસેડ્યા
ભાજપ સામે મેયર પદ માટે સોદાબાજી કે વિપક્ષ દ્વારા તોડફોડનો ડર? : ઠાકરે જૂથ અને સાથી પક્ષોને બહુમતી માટે માત્ર 8 સભ્યોની જરૂર હોવાથી શિંદે કેમ્પ સાબદો થયો

મુંબઈ, તા. 17 જાન્યુઆરી : મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના પરિણામો જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ મુંબઈમાં ફરી એકવાર 'રિસોર્ટ પોલિટિક્સ'ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ પોતાના વિજેતા ઉમેદવારોને મુંબઈની એક આલીશાન પંચતારક હોટલમાં શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એશિયાની સૌથી ધનિક પાલિકામાં મહાયુતિએ બહુમતી મેળવી હોવા છતાં, સત્તાના સમીકરણો જાળવી રાખવા અને સાથી પક્ષ ભાજપ સામે મેયર પદ માટે દબાણ બનાવવા આ વ્યૂહરચના અપનાવવામાં આવી હોવાનું મનાય છે.
BMCનું ગણિત અને ‘હોર્સ ટ્રેડિંગ’નો ફાળ:
227 બેઠકો ધરાવતી BMCમાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે. ચૂંટણી પરિણામો મુજબ ભાજપને 89 અને શિંદેની સેનાને 29 બેઠકો મળી છે, જે મળીને 118 થાય છે, જે બહુમતીના આંકડાથી વધુ છે. જોકે, વિપક્ષી છાવણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (65), મનસે (6) અને શરદ પવારની NCP (1) મળીને 72 બેઠકો ધરાવે છે. આ ઉપરાંત કોંગ્રેસ (24), AIMIM (8) અને સમાજવાદી પાર્ટી (2) પણ જો વિપક્ષ સાથે જોડાય તો આ આંકડો 106 પર પહોંચે છે. આવી સ્થિતિમાં વિપક્ષને સત્તા કબજે કરવા માટે માત્ર 8 વધુ સભ્યોની જરૂર પડે. આ 8 સભ્યો તોડવા માટે ‘હોર્સ ટ્રેડિંગ’ (ઘોડાબજાર) ન થાય તે માટે શિંદે જૂથે પોતાના સભ્યોને સુરક્ષિત કર્યા છે.
મેયર પદ માટે સોદાબાજીની વ્યૂહરચના:
સૂત્રોના જણાવ્યા અનુસાર, હોટલ પોલિટિક્સ પાછળનું બીજું મુખ્ય કારણ ભાજપ સાથેની સોદાબાજી છે. શિંદે સેનાના કોર્પોરેટરોમાં ભારે દબાણ છે કે ગઠબંધનમાં નાનો ભાઈ હોવા છતાં, મુંબઈના પ્રતિષ્ઠિત ‘મેયર’ પદ પર શિવસેનાનો જ ઉમેદવાર હોવો જોઈએ. શિવસેના છેલ્લા 25 વર્ષથી BMCમાં સત્તા ભોગવી રહી છે, તેથી પરંપરાગત રીતે આ પદ પોતાની પાસે રાખવા માટે શિંદે જૂથ ભાજપ સામે બાર્ગેનિંગ પાવર વધારી રહ્યું છે.
વિપક્ષી એક્તા અને ઠાકરેનું વલણ:
બીજી તરફ, હાર બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેના સંબંધો અને સંભવિત જોડાણની ચર્ચાઓ પણ તેજ બની છે. જો સમગ્ર વિપક્ષ એક થઈને ‘મહાયુતિ’ને સત્તાથી દૂર રાખવાનો પ્રયાસ કરે, તો આઠ કોર્પોરેટરોની પક્ષાંતરની રમત મુંબઈનું રાજકારણ પલટી શકે છે. શિંદે કેમ્પના આ પગલાથી સ્પષ્ટ થાય છે કે ભલે જનતાએ મહાયુતિને જનાદેશ આપ્યો હોય, પરંતુ સત્તાની ખુરશી સુધી પહોંચવાનો રસ્તો હજુ પણ કાંટાડો છે.
આગામી થોડા દિવસોમાં મેયર પદની ચૂંટણી વખતે મુંબઈના રાજકારણમાં હજુ વધુ નવા વળાંકો જોવા મળી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
