<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

હરિયાણામાં દીકરીઓ અને ખેડૂતોની દિવાળી: સીએમ નાયબ સૈનીએ એક ક્લિક પર વહાવી કરોડોની મહેર, ૮ લાખથી વધુ મહિલાઓના ખાતામાં જમા થયા ₹૧૮૧ કરોડ

'લાડો લક્ષ્મી' યોજનાનો ત્રીજો હપ્તો જાહેર; ખેડૂતોને પરાળી ન બાળવા બદલ મળ્યું કરોડોનું પ્રોત્સાહન અને ગૃહિણીઓને ગેસ સિલિન્ડર પર મળી સબસિડી

પંચકુલા : હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ આજે રાજ્યની મહિલાઓ અને ખેડૂતો માટે ખુશીઓનો પિટારો ખોલ્યો છે. પંચકુલામાં આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન, મુખ્યમંત્રીએ 'દીનદયાળ લાડો લક્ષ્મી યોજના' હેઠળ ૮.૬૩ લાખથી વધુ લાભાર્થી મહિલાઓના ખાતામાં ₹૧૮૧ કરોડની રકમ સીધી જમા કરાવી છે. આ સાથે જ અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ ₹૪૪૧ કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે, જે મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.
મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવે આ યોજનાનો લાભ વધુ પરિવારો સુધી પહોંચશે. ₹૧.૮૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોની દીકરીઓ અને મહિલાઓને પણ હવે આ સહાયનો લાભ મળશે. એટલું જ નહીં, સરકારી શાળામાં ભણતા જે બાળકો બોર્ડની પરીક્ષામાં ૮૦ ટકાથી વધુ માર્ક્સ લાવશે, તેમની માતાઓને પણ ખાસ પ્રોત્સાહન આપવામાં આવશે. ફેબ્રુઆરી ૨૦૨૬થી લાભાર્થીઓને મળનારી ₹૧,૧૦૦ની રકમ સીધી બેંક ખાતામાં જશે, જ્યારે બાકીની રકમ સરકાર દ્વારા FD અથવા RD સ્વરૂપે બચત તરીકે જમા કરવામાં આવશે.
ખેડૂતોને કલ્યાણકારી નીતિઓના કેન્દ્રમાં રાખતા મુખ્યમંત્રી સૈનીએ ૫ કૃષિ યોજનાઓ હેઠળ કુલ ₹૬૫૯ કરોડની ગ્રાન્ટ જાહેર કરી છે. ખાસ કરીને પરાળી ન બાળનારા ૫.૫૪ લાખ ખેડૂતોને ₹૪૬૧ કરોડથી વધુનું પ્રોત્સાહન આપીને પર્યાવરણ જાળવણી માટે પણ મોટો સંદેશ આપ્યો છે. આ ઉપરાંત, 'મેરા પાણી મેરી વિરાસત' અને 'ભાવાંતર ભારપાઈ' યોજના હેઠળ પણ હજારો ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છે.
ગેસ સબસિડીની ભેટ: મધ્યમ અને ગરીબ વર્ગની ગૃહિણીઓ માટે 'હર ઘર હર ગૃહિણી' યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આજે ૬ લાખથી વધુ મહિલાઓના ખાતામાં ગેસ રિફિલ માટેની સબસિડી પેટે કરોડો રૂપિયા જમા કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વમાં સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. હરિયાણા સરકારના આ આર્થિક બૂસ્ટર ડોઝથી રાજ્યમાં મહિલાઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(7:49 PM IST)