હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં ભારતનો ડંકો, પાકિસ્તાનને દેખાડ્યો અરીસો: 'ભારત ઈન્વેસ્ટમેન્ટ લાવે છે, પાકિસ્તાન નહીં' - ટ્રમ્પના નજીકના સાંસદનું મોટું નિવેદન
વોશિંગ્ટનમાં રિપબ્લિકન સાંસદ રિચ મેકકોર્મિકે ભારતને ગણાવ્યું અમેરિકાનું સૌથી મહત્વનું વ્યૂહાત્મક ભાગીદાર; પાકિસ્તાનની આર્થિક નાલેશી પર કર્યા આકરા પ્રહાર

વોશિંગ્ટન : અમેરિકાના રાજકીય ગલિયારાઓમાં ભારતની વધતી જતી આર્થિક તાકાતનો સ્વીકાર વધુ એકવાર ગુંજી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ સાંસદ રિચ મેકકોર્મિકે વોશિંગ્ટન સ્થિત એક કાર્યક્રમમાં ભારત અને પાકિસ્તાનની તુલના કરતા પાકિસ્તાનને આઈનો બતાવ્યો છે. મેકકોર્મિકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભારત માત્ર અમેરિકા પાસેથી રોકાણ મેળવતું નથી, પરંતુ અમેરિકાની ધરતી પર પણ મોટું રોકાણ કરે છે, જ્યારે પાકિસ્તાન આ બાબતમાં સાવ શૂન્ય છે.
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS) ના એક કાર્યક્રમમાં બોલતા મેકકોર્મિકે ચેતવણી આપી હતી કે, જો અમેરિકા ભારતની આર્થિક અને વ્યૂહાત્મક અહંમિયતને નજરઅંદાજ કરશે તો તે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને અમેરિકામાં પણ ભારતીય કંપનીઓ રોજગારીનું સર્જન કરી રહી છે. આ બાબત ભારતને પાકિસ્તાનથી અનેકગણી આગળ અને વધુ ભરોસાપાત્ર ભાગીદાર બનાવે છે.
નથી કોઈ રોકાણ, નથી કોઈ ફાયદો: સાંસદે પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું કે, પાકિસ્તાન અમેરિકામાં કોઈ પણ પ્રકારનું રોકાણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. એક તરફ ભારત અમેરિકા સાથે ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રે ખભેખભા મિલાવીને આગળ વધી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન માત્ર સહાય અને દેવાની જાળમાં ફસાયેલું છે. ટ્રમ્પ વહીવટીતંત્રના આગમન પહેલા રિપબ્લિકન સાંસદનું આ નિવેદન સૂચવે છે કે ભવિષ્યમાં અમેરિકાની વિદેશ નીતિમાં ભારતનું સ્થાન વધુ મજબૂત અને પાકિસ્તાનનું સ્થાન વધુ હાંસિયામાં ધકેલાઈ શકે છે.
મેકકોર્મિકે ઉમેર્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ભારત એક ધરી સમાન છે. ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી માત્ર આર્થિક નથી પરંતુ લોકશાહી મૂલ્યો પર આધારિત છે. આ નિવેદનને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ભારતની આર્થિક મુત્સદ્દીગીરીની પ્રશંસા થઈ રહી છે, જ્યારે પાકિસ્તાન માટે આ વૈશ્વિક સ્તરે એક મોટો ઝટકો માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
